ગુવાહાટીઃ લગ્ન અગાઉ મહિલા અધિકારીએ પોતાના મંગેતરની કરી ધરપકડ, જાણો કારણ?
આસામની મહિલા સબ ઇન્સ્પેક્ટરે લગ્ન અગાઉ પોતાના જ મંગેતરની ધરપકડ કરી હતી. આરોપ છે કે મંગેતરે ખોટી ઓળખ આપી લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો
ગુવાહાટીઃ આસામની મહિલા સબ ઇન્સ્પેક્ટરે લગ્ન અગાઉ પોતાના જ મંગેતરની ધરપકડ કરી હતી. આરોપ છે કે મંગેતરે ખોટી ઓળખ આપી લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ અન્ય લોકો સાથે છેતરપિંડી કરી હતી. ઘટનાની તપાસ બાદ સબ ઇન્સ્પેક્ટરે પોતાના મંગેતરની ધરપકડ કરી હતી. બુધવારે સાંજે નગાંવ કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.
ઘટના આસામના નાગાંવ જિલ્લાની છે. નાગાંવ પોલીસ સ્ટેશનની મહિલા સેલની પ્રભારી સબ ઇન્સ્પેક્ટર જોનમણિ રાભાએ પોતાના મંગેતર રાણા પોગાગને નકલી ઓળખ સાથે લગ્ન કરવાના પ્રયાસ, કથિત રીતે લાખો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.
જાન્યુઆરી 2021માં થઇ હતી બંન્નેની મુલાકાત
જોનમણિ રાભાએ કહ્યું કે માજુલીમાં પોસ્ટિંગ દરમિયાન જાન્યુઆરી 2021માં પોગાગ સાથે તેની મુલાકાત થઇ હતી. દરમિયાન પોગાગે પોતાની ઓળખ કથિત રીતે ONGCના જનસંપર્ક અધિકારી તરીકે આપી હતી. મુલાકાતના થોડા દિવસ બાદ પોગાગે જોનમણિ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો જેનો તેણે સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ જોનમણિ અને પોગાગ બંન્નેના પરિવારજનો મળ્યા અને બંન્નેની ઓક્ટોબર 2021માં સગાઇ કરી લીધી હતી. અને નવેમ્બર 2022માં તેમના લગ્નની તારીખ નક્કી કરી હતી.
2022ની શરૂઆતમાં જોનમણિને પોગાગની કામ કરવાની શૈલી પર શંકા ગઇ હતી કારણ કે જોનમણિએ પોતે પબ્લિક રિલેશન અને એડવાઝમેન્ટની ડિગ્રી લીધી છે. જ્યારે મંગળવારે ત્રણ લોકોને મળી ત્યારે આ શંકા વધુ ઘેરી બની હતી. ત્રણ લોકોએ જોનમણિને જણાવ્યું કે પોગાગે કોન્ટ્રાક્ટ આપવાના નામ પર 25 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘટનાની તપાસ બાદ જોનમણિને જાણવા મળ્યું કે પોગાગ ONGCમાં કામ કરતો નથી.
તે સિવાય તપાસમાં જાણવા મળ્યું છે કે પોગાગ એક એસયૂવીનો ઉપયોગ કરતો જે પણ તેણે ભાડે લીધી હતી. તે પોતાની સાથે એક પ્રાઇવેટ સુરક્ષાકર્મી અને ડ્રાઇવર પણ રાખતો હતો જેથી લોકોને લાગે કે તે હાઇ પ્રોફાઇલ અધિકારી છે. જોનમણિ રાભાએ કહ્યું કે હું આસામના લોકોને કડક સંદેશ આપવા માંગું છું કે જો તે ખોટું કરશે તો હું કોઇને પણ છોડીશ નહી.