(Source: ECI/ABP News/ABP Majha)
Bengaluru Temperature: બેંગલુરુમાં વરસી રહી છે અગનજ્વાળા, તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરતા લોકો અકળાયા
Bengaluru Temperature: બેંગલુરુના કેંગેરીમાં મંગળવારે સૌથી વધુ 41.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કર્ણાટક સ્ટેટ નેચરલ ડિઝાસ્ટર મોનિટરિંગ સેન્ટર (KSNDMC) અનુસાર, બેંગલુરુના બિદારહલ્લીમાં પણ તે જ દિવસે 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લોકો આ દિવસોમાં કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજધાનીમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 5 મે સુધી વરસાદની સંભાવના છે. બેંગલુરુમાં આ વખતે રેકોર્ડ બ્રેક ગરમીના કારણે લોકોનું જીવન મુશ્કેલ બની રહ્યું છે. ગરમીના કારણે લોકો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. 1983 પછી આ પહેલીવાર છે જ્યારે બેંગલુરુમાં એપ્રિલ મહિનામાં વરસાદ પડ્યો નથી. બેંગલુરુમાં સામાન્ય રીતે એટલી ગરમી હોતી નથી. પરંતુ આ વખતે અહીં ગરમીનું પ્રમાણ વધુ વધી ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બેંગલુરુનું મહત્તમ તાપમાન 28 એપ્રિલે 38.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે ઇતિહાસમાં બીજા ક્રમનું સૌથી વધુ તાપમાન છે. અગાઉ એપ્રિલ 2016માં બેંગલુરુમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. ત્યારે તાપમાનનો પારો 39.2 ડિગ્રીએ પહોંચી ગયો હતો.