Bengaluru Bomb Threat: બેંગલુરુમાં હાઈ એલર્ટ! જૈશ-એ-મોહમ્મદના 'વ્હાઇટ કોલર મોડ્યુલ'ની એરપોર્ટ અને મોલ ઉડાવી દેવાની ધમકી
પોલીસ કમિશનરને મળ્યો ધમકીભર્યો ઈમેલ: સાંજે 7 વાગ્યા પછી વિસ્ફોટ કરવાની ચેતવણી, ઓરિયન અને લુલુ મોલ સહિતના સ્થળો પર સુરક્ષા સઘન કરાઈ.

બેંગલુરુમાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરના પોલીસ કમિશનરને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના કથિત 'વ્હાઇટ કોલર ટેરર ટીમ' તરફથી એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. આ ઈમેલમાં કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને શહેરના પ્રખ્યાત મોલ્સમાં બોમ્બ વિસ્ફોટ કરવાની ચીમકી આપવામાં આવી છે. ઈમેલમાં વિસ્ફોટનો સમય સાંજે 7 વાગ્યા પછીનો જણાવવામાં આવ્યો હોવાથી સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
ઈમેલમાં શું છે વિગત?
30 નવેમ્બરના રોજ બેંગલુરુ પોલીસ કમિશનરના સત્તાવાર આઈડી પર એક શંકાસ્પદ ઈમેલ આવ્યો હતો. આ ઈમેલ "Mohit Kumar" નામના વ્યક્તિ સાથે સંકળાયેલા એક એકાઉન્ટ પરથી મોકલવામાં આવ્યો હતો. ઈમેલમાં સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો હતો કે જૈશ-એ-મોહમ્મદની વિશેષ ટીમ દ્વારા શહેરના મુખ્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ટાર્ગેટ લિસ્ટમાં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરાંત ઓરિયન મોલ, લુલુ મોલ, ફોરમ સાઉથ મોલ અને મંત્રી સ્ક્વેર જેવા ભીડભાડવાળા સ્થળોનો સમાવેશ થાય છે. પોલીસે તુરંત કાર્યવાહી કરતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 173 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
દિલ્હી બ્લાસ્ટ કનેક્શન અને 'વ્હાઇટ કોલર' મોડ્યુલ
આ ધમકી એવા સમયે મળી છે જ્યારે દેશની સુરક્ષા એજન્સીઓ પહેલાથી જ સતર્ક છે. ઉલ્લેખનીય છે કે, 10 નવેમ્બરના રોજ દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બંને ઘટનાઓમાં એક સમાનતા જોવા મળી છે - 'વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલ'નો ઉલ્લેખ. આ પેટર્ન સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની છે.
NIA દ્વારા ડોક્ટરોની ગેંગનો પર્દાફાશ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં જ એક હાઈ-પ્રોફાઈલ આતંકી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જેમાં શિક્ષિત વ્યાવસાયિકો એટલે કે 'વ્હાઇટ કોલર' લોકોની સંડોવણી હતી. આ કેસમાં 5 ડોકટરો - મુજમ્મીલ ગનાઈ, અદીલ અહેમદ રાથેર, મુઝફ્ફર અહેમદ રાથેર, શાહીન શાહિદ અને ઉમર ઉન-નબી - પર આરોપ છે. તેઓ ફરીદાબાદની અલ-ફલા યુનિવર્સિટી સાથે સંકળાયેલા હતા અને તેમના પર 2.6 મિલિયન (અંદાજે 26 લાખ રૂપિયા) નું ફંડ એકત્ર કરવાનો અને દેશભરમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોનું કાવતરું ઘડવાનો આરોપ છે. દિલ્હી વિસ્ફોટમાં વપરાયેલી કારનો ડ્રાઈવર પણ આ જ નેટવર્કનો ભાગ હોવાનું મનાય છે.
ભૂતકાળમાં પણ મળી હતી નકલી ધમકીઓ
બેંગલુરુ શહેર અગાઉ પણ આવી ધમકીઓનો સામનો કરી ચૂક્યું છે. વર્ષની શરૂઆતમાં શહેરની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળ્યા હતા, જે તપાસ બાદ અફવા સાબિત થયા હતા. પોલીસે સાયબર ટ્રેકિંગ દ્વારા આ કેસમાં મુખ્ય આરોપી રેને જોસિલ્ડાની ધરપકડ કરી હતી. સોફ્ટવેર એન્જિનિયર એવો આ આરોપી હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જોકે, તાજેતરની ઘટના અને દિલ્હી બ્લાસ્ટના સંદર્ભને જોતા પોલીસ આ વખતે કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.





















