MCD Merger: લોકસભામાં આજે રજૂ થશે દિલ્હીના ત્રણેય કોર્પોરેશનને એક કરતું બિલ, AAP કરી રહી છે વિરોધ
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યું કે, આખરે ભાજપે છેલ્લા સાત વર્ષમાં ત્રણ કોર્પોરેશનને મર્જ કરવાનો નિર્ણય કેમ ન લીધો
MCD Merger: આમ આદમી પાર્ટી (AAP) દિલ્હીમાં ત્રણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મુલતવી રાખવા માટે સતત ભાજપ પર હુમલો કરી રહી છે. ચૂંટણી પંચે દલીલ કરી હતી કે, કેન્દ્ર સરકાર ત્રણેય કોર્પોરેશનને એક કરવા માંગે છે, તેથી જ ચૂંટણીની તારીખો મોકૂફ રાખવામાં આવી છે. હવે આ અંગે સંસદમાં બિલ રજૂ થવા જઈ રહ્યું છે.
દિલ્હીના ત્રણ કોર્પોરેશનોને એક કરવા માટેનું બિલ શુક્રવારે, 25 માર્ચે લોકસભામાં રજૂ કરવામાં આવશે. ગૃહમંત્રી અમિત શાહ આ બિલ રજૂ કરશે. અગાઉ આ પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી. સંસદ દ્વારા બિલ પસાર થયા પછી દિલ્હીની ત્રણેય કોર્પોરેશનનું વિસર્જન કરવામાં આવશે અને ચૂંટણી યોજવામાં આવશે.
ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર આક્ષેપો
દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની તારીખો જાહેર થવાની હતી, પરંતુ છેલ્લી ઘડીએ ચૂંટણી પંચે કહ્યું કે આ ચૂંટણીઓ હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. કારણ કે કેન્દ્ર સરકાર આ અંગે એક બિલ રજૂ કરવા જઈ રહી છે. દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટીએ આનો સખત વિરોધ કર્યો હતો. કેજરીવાલની પાર્ટી દ્વારા ચૂંટણી પંચ અને ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે સરકારને ચૂંટણી મોકૂફ રાખવા માટે કહેવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપને ચૂંટણી જોઈતી નથી. ભાજપના નેતાઓએ MCDમાં લૂંટના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
કેજરીવાલે પૂછ્યું કે 7 વર્ષથી બિલ કેમ ન લાવ્યા?
આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે કહ્યું કે, આખરે ભાજપે છેલ્લા સાત વર્ષમાં ત્રણ કોર્પોરેશનને મર્જ કરવાનો નિર્ણય કેમ ન લીધો. છેલ્લા સાત વર્ષથી તમે (ભાજપ) ક્યાં સૂતા હતા. વિધાનસભામાં બોલતા કેજરીવાલે આરોપ લગાવ્યો કે ભાજપ બાબાસાહેબ આંબેડકરને નફરત કરે છે કારણ કે તેમણે બંધારણ અને લોકશાહી આપી હતી. તેમણે ભાજપને MCD ચૂંટણી સમયસર કરાવવા અને જીતવાનો પડકાર ફેંક્યો હતો.