Biparjoy Landfall : ક્યારે નબળું પડશે બિપરજોય? હવામાન વિભાગે કરી આગાહી
હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ આજે ગુરુવારે (15 જૂન) એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બિપરજોય ચક્રવાત અંગે નવીનતમ અપડેટ આપી હતી.
Cyclone Biparjoy Landfall: મહાચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાને હવે ગણતરીની મીનીટો જ બાકી છે. આ વાવાઝોડું ભારે વિનાશ વેરી શકે છે. ચક્રવાતની ઝડપ અને તેના રૌદ્ર રૂપને લઈને ગુજરાતના લોકોમાં ફફડાટ છે ત્યારે હવામાન વિભાગે બિપરજોય ક્યારે નબળું પડશે તેને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ આજે ગુરુવારે (15 જૂન) એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બિપરજોય ચક્રવાત અંગે નવીનતમ અપડેટ આપી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)ના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ ગુરુવારે (15 જૂન) એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બિપરજોય ચક્રવાત અંગે તાજી અપડેટ આપતા કહ્યું હતું કે, લેન્ડફોલ આજે ગુરૂવારે સાંજે શરૂ થશે અને મધ્યરાત્રિ સુધી ચાલશે. લેન્ડફોલની પ્રક્રિયા લગભગ 6 વાગ્યા પછી શરૂ થશે.
તેમણે આગળ ઉમેર્યું હતું કે, લેન્ડફોલ પશ્ચિમમાં માંડવી અને કરાચી વચ્ચેના જખાઉ બંદરની આસપાસ હશે. આ સાથે જ શુક્રવાર સવાર સુધીમાં પવનની ગતિ નબળી પડીને 70 થી 90 કિમીની થઈ જશે.
IMD DG મૃત્યુંજય મહાપાત્રાએ ચક્રવાતને લઈને કહ્યું હતું કે, ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે જે પવન ફૂંકાઈ રહ્યો છે તેની ઝડપ 120 થી 130 કિમી પ્રતિ કલાકની વચ્ચે છે. લેન્ડફોલ સમયે પવનની ગતિ 115 થી 135 કિમી પ્રતિ કલાકની રહેશે. બિપરજોય ચક્રવાત ગુરુવારે (15 જૂન) સાંજે ગુજરાતની સરહદ પર ટકરાશે. આખી રાત પછી સવાર સુધી પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક રહી શકે છે. ચક્રવાતથી મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે.
ડીજી મૃત્યુંજય મહાપાત્રાએ લોકોને ચેતવણી આપી હતી કે, કોઈએ બહાર ફરવું નહીં. તેમણે કહ્યું હતું કે, 16 જૂનની સવાર સુધી કોઈએ સમુદ્ર તરફ ન જવું. પોરબંદર, જૂનાગઢ, જામનગરને સૌથી વધુ નુકસાન થશે. પવનની ઝડપ હવે 120 થી 135 કિમી પ્રતિ કલાકની છે. તેની મુસાફરીની ઝડપ સવારે 5 કિમી હતીપરંતુ હવે તે 10 થઈ છે અને સાંજ સુધીમાં તે 14 થઈ જશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચક્રવાતની દિલ્હી પર સીધી અસર નહીં થાય. રાજસ્થાનમાં આના કારણે ભારે વરસાદ થશે.
હવામાન વિભાગે કહ્યું હતું કે, ચક્રવાત ઉત્તર પૂર્વની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સાથે કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે. શુક્રવારે સવારથી પવનની ગતિ ધીમી થઈ જશે. હવામાન વિભાગે કહ્યું હતું કે, અમે છેલ્લા બે અઠવાડિયાથી સતત પાકિસ્તાનને માહિતી આપી રહ્યા છીએ. અમે પડોશી દેશને દર 3 કલાકે માહિતી આપી રહ્યા છીએ.
હવામાન વિભાગે ઉમેરતા કહ્યું હતું કે, કચ્છના અખાતને અડીને આવેલા તમામ જિલ્લાઓમાં ચક્રવાતની મહત્તમ અસર જોવા મળશે. જેમાં પોરબંદર, જામનગર, રાજકોટ અને દેવભૂમિ દ્વારકા વગેરેનો સમાવેશ થાય છે.