Book Covid Vaccine Appointment: હવે ગૂગલ પર સર્ચ કરીને બુક કરાવો રસીકરણનો સ્લોટ, જાણો વિગતે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવિયાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ગૂગલ પર કોવિડ વેક્સિન નિયર મી સર્ચ કરો, સ્લોટની ઉપલબ્ધતા જુઓ અને બુક માય એપોઈન્ટમેંટ ફીચરનો ઉપયોગ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવો,
Book Covid Vaccine Appointment: કોરોના વાયરસ મહામારી સામે દેશવ્યાપી રસીકરણ અભિયાન ચાલુ છે. રસીકરણ માટે સ્લોટ બુક કરાવાની પ્રક્રિયાને વધુ આસાન બનાવવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક મહત્વની સેવા શરૂ કરી છે. હવે ગૂગલ દ્વારા રસીકરણનો સ્લોટ બુક કરાવી શકાશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે કોવિડ-19 રસીની લોકો સુધી પહોંચ વધારવા અને આસાન બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. હવે ગૂગલ પર 'કોવિડ વેક્સિન નિયર મી' સર્ચ કરો, 'સ્લોટની ઉપલબ્ધતા જુઓ' અને 'બુક માય એપોઈન્ટમેંટ' ફીચરનો ઉપયોગ કરીને રસીકરણ માટે સ્લોટ બુક કરાવો.
"The Ministry of Health has taken yet another significant initiative to enhance access to #COVID19 vaccine: Search 'covid vaccine near me' on Google, Check availability of slots & more, Use 'Book Appointment' feature to book a slot," tweets Union Health Minister Mansukh Mandaviya pic.twitter.com/HFJHH8X0D2
— ANI (@ANI) September 1, 2021
ભારતમાં એક દિવસના વિરામ બાદ ફરી 40 હજારથી વધારે કોરોના કેસ સામે આવ્યા છે. એક દિવસ પહેલા દેશમાં 30,941 કોરોના મામલા સામે આવ્યા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 41,965 નવા કોરોના કેસ આવ્યા અને 460 કોરોના સંક્રમિતોના જીવ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 33,964 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે 7541 એક્ટિવ કેસ વધ્યા છે.
આ પહેલા દેશમાં સતત પાંચ દિવસ 40 હજારથી વધારે કોરોના મામલા નોંધાયા હતા. . બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાની શું છે સ્થિતિ
- કુલ કેસઃ 3 કરોડ 28 લાખ 10 હજાર 845
- કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 19 લાખ 93 હજાર 644
- કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 78 હજાર 181
- કુલ મોતઃ 4 લાખ 39 હજાર 20
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી એક સારા સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોના રસીકરણ અંગે નવો રેકોર્ડ સ્થાપિત થયો છે. ભારતે એક દિવસમાં 1 કરોડ 32 લાખથી વધુ રસી ડોઝ આપીને પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો છે. 31 ઓગસ્ટના રોજ એક દિવસમાં 1 કરોડ 32 લાખ 45 હજાર 266 ડોઝ આપવામાં આવ્યા હતા. તેમાં 1 કરોડ 35 હજાર 652 પ્રથમ ડોઝ અને 32 લાખ 9 હજાર 614 સેકન્ડ ડોઝનો સમાવેશ થાય છે. આ સાથે ભારતે અત્યાર સુધીમાં 65 કરોડ 32 લાખ ડોઝ આપ્યા છે.
ભારતમાં કુલ ડોઝનો આ આંકડો કેટલો મોટો છે. તેને આ રીતે સમજી શકાય છે કે તે અમેરિકાની કુલ વસ્તીના બમણો છે. એટલે કે એકલા ભારતે અત્યાર સુધી અમેરિકાની વસ્તીની બમણી જેટલી રસી ડોઝ આપ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં ભારતે દરરોજ સરેરાશ 74 લાખથી વધુ રસી ડોઝ આપ્યા છે. તે સ્પષ્ટ છે કે વિશ્વનો કોઈ દેશ ભારત જેટલી ઝડપથી રસીકરણ નથી કરી રહ્યું.