બંગાળ સરકારને મોટો ઝટકો, કલકત્તા હાઇકોર્ટે ચૂંટણી બાદની હિંસા પર CBI તપાસના આપ્યા આદેશ
પશ્વિમ બંગાળ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઇકોર્ટે ચૂંટણી બાદ થયેલી હિંસા મામલામાં સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે.
કલકત્તાઃ પશ્વિમ બંગાળ સરકારને મોટો ઝટકો લાગ્યો છે. કલકત્તા હાઇકોર્ટે ચૂંટણી બાદ થયેલી હિંસા મામલામાં સીબીઆઇ તપાસના આદેશ આપ્યા છે. સાથે કોર્ટે એસઆઇટી ટીમની રચના કરવાના પણ નિર્દેશ આપ્યા છે અને રાજ્ય સરકારને પીડિતોને વળતર આપવાનું પણ કહ્યું છે.
કલકત્તા હાઇકોર્ટે પશ્વિમ બંગાળમાં થયેલી ચૂંટણી બાદ હિંસા મામલામાં હત્યા અને મહિલાઓ વિરુદ્ધ ગુનાઓ, બળાત્કાર સહિત માનવાધિકાર ઉલ્લંઘનના આરોપોની અદાલતની દેખરેખમાં સીબીઆઇ તપાસ કરવાના આદેશ આપ્યા છે. હાઇકોર્ટને અન્ય તમામ મામલાની તપાસ એસઆઇટીને સોંપી છે.
કોર્ટે કહ્યું કે, એસઆઇટીની કામગીરી પણ કોર્ટની દેખરેખમાં થશે. મામલાની સુનાવણી કરી રહેલા કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલે કહ્યું કે અલગ અલગ નિર્ણય છે પરંતુ તમામ લોકો સહમત છે. કોર્ટમાં જનહિતની અરજી કરવામાં આવી હતી જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચૂંટણી બાદ થયેલી હિંસામાં લોકો સાથે મારપીટ કરવામાં આવી. તેઓને ઘરમાંથી ભાગવા માટે મજબૂર કરવામાં આવ્યા છે અને તેઓની સંપત્તિને પણ નાશ કરવામાં આવી છે અને આરોપોની નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી હતી.
આ મામલે ત્રણ ઓગસ્ટના રોજ સુનાવણી પૂર્ણ થઇ હતી અને હાઇકોર્ટે આદેશ સુરક્ષિત રાખ્યો હતો. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ રાજેશ બિંદલની અધ્યક્ષતાની પાંચ ન્યાયાધીશોની બેન્ચે નિર્ણય સંભળાવ્યો હતો. જેમાં ન્યાયમૂર્તિ આઇપી મુખર્જી, હરીશ ટંડન, સૌમેન સેન અને સુબ્રત તાલુકદાર સામેલ હતા. બેન્ચે અગાઉ એનએચઆરસી અધ્યક્ષને ચૂંટણી બાદની હિંસા દરમિયાન માનવાધિકારોના ઉલ્લંઘનના આરોપોની તપાસ માટે એક તપાસ સમિતિ બનાવવાનો આદેશ આપ્યો હતો. રિપોર્ટ સોંપાયા બાદ હવે આગામી સુનાવણી 24 ઓક્ટોબરના રોજ યોજાશે.
કોર્ટે કહ્યું કે, ચૂંટણી બાદની હત્યા અને બળાત્કારના તમામ કેસની તપાસ સીબીઆઇ કરશે. ચૂંટણી હિંસા સાથે જોડાયેલા બીજા કેસની તપાસ કોર્ટની દેખરેખમાં બનાવાયેલી એક ખાસ તપાસ સમિતિ કરશે. કોર્ટે આ સમિતિની રચના કરી દીધી છે. આ સમિતિમાં પોલીસ અધિકારી સુમન બાલા સાહૂ (ડીજી રેન્ક અધિકારી) અને બે અન્ય અધિકારીઓના નેતૃત્વમાં કામ કરશે. આ સમિતિ છ સપ્તાહની તપાસ બાદ પોતાનો રિપોર્ટ કોર્ટમાં સોંપશે.