(Source: ECI/ABP News/ABP Majha)
મુંબઇઃ મોંઘવારી વચ્ચે જનતાને મોટી રાહત, રેલવેએ 50 ટકા ઘટાડ્યું AC લોકલ ટ્રેનનું ભાડુ
રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે રેલવે બોર્ડે મુંબઈમાં એસી લોકલ ટ્રેનના ભાડામાં 50% ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે
નવી દિલ્હીઃ મોંઘવારી વચ્ચે ભારતીય રેલવેએ જનતાને મોટી રાહત આપી છે. ભારતીય રેલવે બોર્ડે મુંબઈમાં એસી લોકલ ટ્રેનના ભાડામાં ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. હવે એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો અડધા ભાડામાં મુસાફરી કરી શકશે.
રેલ્વે રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ કહ્યું હતું કે રેલવે બોર્ડે મુંબઈમાં એસી લોકલ ટ્રેનના ભાડામાં 50% ઘટાડો કરવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. મળતી માહિતી મુજબ, ટિકિટનો દર 130 રૂપિયાથી ઘટીને 90 રૂપિયા થઈ ગયો છે. વેસ્ટર્ન લાઇનથી સેન્ટ્રલ લાઇન પર ભાડામાં ઘટાડો કિલોમીટર પ્રમાણે થશે.
લોકલ ટ્રેનને મુંબઈની લાઈફલાઈન કહેવામાં આવે છે. પરંતુ મુંબઈમાં આ દિવસોમાં લોકો આકરી ગરમીનો સામનો કરી રહ્યા છે. 26 એપ્રિલે અહીં તાપમાન 38.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વધતી ગરમીને કારણે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી એસી લોકલ ટ્રેનની માંગ વધી છે. મોટાભાગના મુસાફરો એસી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માંગે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ટ્રેનમાં બેસવાની જગ્યા મળી રહી નથી.
ડિસેમ્બર 2017માં મુંબઈમાં એસી લોકલ ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ભારતની પ્રથમ એસી લોકલ ટ્રેન હતી. મુંબઈમાં પ્રથમ એસી લોકલ ટ્રેન બોરીવલી-ચર્ચગેટ રૂટ પર દોડાવવામાં આવી હતી. બાદમાં અન્ય રૂટ પર પણ એસી ટ્રેનો શરૂ કરવામાં આવી છે.
દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, મુંબઈમાં એસી લોકલ ટિકિટની કિંમત ઘટાડવાની લોકોની માંગ હતી. હવે તેમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેમણે ડીઝલ અને પેટ્રોલના ભાવને લઈને મહારાષ્ટ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું.