Shopian Encounter: ભારતીય સેનાએ જમ્મુ કાશ્મીરમાં બે આતંકીને કર્યા ઠાર, સેનાના બે જવાન શહીદ
Shopian Encounter: જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓને સેનાએ ઠાર કરી દીધા છે. શોપિયાંના બડગામના જૈનપુરા વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલ હોવાની માહિતી મળી હતી.
Shopian Encounter: જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકીઓને સેનાએ ઠાર કરી દીધા છે. આ એન્કાઉટર અંગે સામે આવેલી વિગતો અનુસાર શોપિયાંના બડગામના જૈનપુરા વિસ્તારમાં બે આતંકીઓ છુપાયેલ હોવાની માહિતી મળી હતી. આ માહિતી બાદ સુરક્ષાદળોએ ઘેરાબંધી અને તપાસ અભિયાન શરૂ કર્યું હતું. જો કે આ અથડામણ સાથે જોડાયેલ એક દૂર્ઘટનામાં સેનાના બે જવાન શહીદ થયા છે અને બે જવાન ઘાયલ થયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, 44 આરઆર ચૌગામ કેમ્પથી સૈનિકોને લઈને સૂમો બુડિગામના અથડામણ સ્થળે જઈ રહ્યા હતા. ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ખોઈ દીધુ અને વાહન અકસ્માતનો ભોગ બન્યું. જેમાં 4 જવાનો ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે જવાનો જિંદગી સામેની જંગ હારી ગયા. અન્ય ઘાયલ જવાનોને શ્રીનગરની 92 બેસ આર્મી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ સમયે દક્ષિણી કાશ્મીરમાં વારંવાર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થતી રહે છે. આતંકીઓ સુરક્ષાદળોની સાથે સાથે સામાન્ય લોકોને પણ નિશાન બનાવી રહ્યા છે. બુધવાર એટલે કે 13 એપ્રિલના રોજ આતંકીઓએ એક સ્થાનિય ડ્રાઈવર સતીશ કુમાર સિંહને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. સતીશ કુલગામના કુકરાનના રહેવાસી હતા. પોલીસે જણાવ્યું કે, તેમણે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે, આ ભીષણ અપરાધમાં સામેલ આતંકીઓનો જલદીથી સફાયો કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓને ટ્રેક કરવા માટે અમે સતત તેની શોધ કરી રહ્યા છીએ.
સ્થાનિય નાગરિકની હત્યા
આતંકીઓએ તજમુલ મોહિઉદ્દીન નામના વ્યક્તિને બડગામ જિલ્લાના ગોટપોરામાં ગોળી મારી દીધી હતી. મોહિઉદ્દીન પર તેના ઘરની પાસે જ હુમલો થયો હતો. ગોળી વાગ્યા બાદ તેને હોસ્પિટલે લઈ જવામાં આવી રહ્યો હતો, પરુત રસ્તામાં જ તેનું મોત નિપજ્યું. આ પહેલા રવિવારે પણ એક પ્રવાસી મજૂર, જે કારપેન્ટરનું કામ કરતો હતો, તેને પણ આતંકીઓએ ગોળી મારી દીધી હતી. આ ઘટના પણ પુલવામામાં જ બની છે.