(Source: ECI/ABP News/ABP Majha)
Coal Shortage: અમિત શાહે કોલસા મંત્રી સાથે કરી બેઠક, અનેક રાજ્યોએ અછતની કરી છે ફરિયાદ
Coal Shortage in India: બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, કેરળ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોએ કોલસાની અછતની ફરિયાદ કરી છે.
Coal Shortage: કોલસાની અછત અને વીજળી સંકટને લઈ રાજ્યોએ કરેલી ફરિયાદ વચ્ચે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક કરી હતી. આ બેઠકમાં વીજળી મંત્રી આર કે સિંહ, કોલસા મંત્રી પ્રહલાદ જોશી અને એનટીપીસીના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દિલ્હીના ઉર્જા મંત્રીએ શું કહ્યું
બિહાર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, કેરળ અને કર્ણાટક સહિત અનેક રાજ્યોએ કોલસાની અછતની ફરિયાદ કરી છે. આજે દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, નેશલન થર્મલ પાવર કોર્પોરેશને શહેરને આપવામાં આવતો ચાર હજાર મેગાવોટ વીજળીનો પૂરવઠો અડધો કરી નાંખ્યો છે. જે બાદ દિલ્હી સરકાર મોંઘી ગેસ આધારિત વીજળીની સાથએ ઉચ્ચ વ્યાજ દરે વીજળી ખરીદવા મજબૂત બની છે.
24 દિવસ ચાલે તેટલો સ્ટોક હોવાનો સરકારનો દાવો
અનેક રાજ્યોમાં બ્લેકઆઉટ અંગે લોકોમાં ભય ફેલાયો છે ત્યારે કોલસા મંત્રીએ વીજ પુરવઠાની સમસ્યાને માત્ર અફવા ગણાવી છે. તેમણે રાજ્ય સરકારો સહિત બધાને આશ્વાસન આપતાં કહ્યું કે, વીજળીનો પુરવઠો ખોરવાઈ જવાનું જોખમ નથી. કોલ ઈન્ડિયા પાસે 24 દિવસ ચાલે એટલો સ્ટોક ઉપલબ્ધ છે. દેશમાં આ વર્ષે કોલસાનું વિક્રમી ઉત્પાદન થયું છે ત્યારે કોલસાની ખાણો ધરાવતાં રાજ્યોમાં મૂશળધાર વરસાદના કારણે વીજએકમોને કોલસો પૂરો પાડવાની સપ્લાઇ લાઇન ખોરવાઈ જતાં ઘણા રાજ્યોમાં વીજ ઉત્પાદન પર તેની અસર થઈ છે.
કેમ કોલસાની અછત સર્જાઈ
કોરોના મહામારી પછી અર્થતંત્રમાં સુધારો થતાં અને લોકડાઉન સહિતના નિયંત્રણો દૂર થતાં મોટાભાગની ફેક્ટરીઓ, કારખાનાઓ રાબેતા મુજબ થતાં વીજળીની માંગ અચાનક વધી ગઈ છે. દેશભરમાં અચાનક વીજ વપરાશ વધી જવાથી કોલસાની અછત સર્જાઈ છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાના ભાવ વધવાથી કોલાસના ઘરેલુ પુરવઠા પર નિર્ભરતા વધી છે.