(Source: ECI/ABP News/ABP Majha)
Congress : સેનાની સર્જીકલ સ્ટ્રાઈકનું ભુત ફરી એકવાર ધુણ્યું, કોંગ્રેસે પુરાવા માંગતા હોબાળો
જમ્મુમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, સરકાર અહીંને લઈને નિર્ણય જ નથી લેવા માંગતી. અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા જ નથી માંગતી.
Digvijaya Singh: કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ રહી છે. આ દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ફરી એકવાર ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર હાથ ધરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકને લઈને વિવાદ છંછેડ્યો છે. કોંગ્રેસ ના આ નેતાએ વર્ષ 2019માં સીઆરપીએફના કાફલા પર પુલવામાં થયેલા ભયાનક આતંકી હુમલાને લઈને પણ સવાલ ઉઠાવતા રાજકારણ ગરમાયું છે. ભાજપે પણ તેનો આકરો જવાબ આપ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ફરી એકવાર પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે, સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરતા રહે અને કહે છે કે અમે આટલા લોકોને માર્યા, પરંતુ આજ સુધી તેનો કોઈ જ પુરાવો આપ્યો નથી. આટલું જ નહીં તેમણે અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર સવાલો ઉઠાવ્યા હતાં.
જમ્મુમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, સરકાર અહીંને લઈને નિર્ણય જ નથી લેવા માંગતી. અહીંની સમસ્યાનો ઉકેલ લાવવા જ નથી માંગતી. તે આ સમસ્યાને હંમેશા ગુંચવાયેલો જ રાખવા માંગે છે જેથી કરીને કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મો બનતી રહે અને હિન્દુઓ-મુસ્લિમમો વચ્ચે નફરત ફેલાવી શકાય. તેમણે કહ્યું હતું કે, આતંકનું કેન્દ્ર બની ગયેલા પુલવામામાં બહારથી વાહનોની તપાસ કરવામાં આવે છે, જ્યાં વિરુદ્ધ દિશામાંથી સ્કોર્પિયો વાહન આવે છે, તેને કેમ ચેક કરીને ચેક કરવામાં ન આવ્યું અને ત્યાર બાદ તે અથડાઈ જાય છે અને આપણા 40 CRPF જવાન શહીદ થાય છે.
દિગ્વિજય સિંહે સવાલ કર્યો હતો કે, પુલવામા ઘટનામાં આતંકીને 300 કિલો RDX ક્યાંથી મળ્યું? દેવેન્દ્ર સિંહ ડીએસપી આતંકવાદીઓ સાથે પકડાયા હતા તો પછી તેમને છોડી કેમ મુકવામાં આવ્યા? અમે પાકિસ્તાન અને ભારતના વડાપ્રધાન વચ્ચેની મિત્રતા વિશે પણ જાણવા માંગીએ છીએ.
દિગ્વિજય સિંહે શું કહ્યું?
દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, આજ સુધી આ ઘટનાની માહિતી ન તો સંસદમાં રજૂ કરવામાં આવી હતી કે, ન તો લોકો સમક્ષ મુકવામાં આવી હતી. તેઓ સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરે છે કે, અમે આટલા લોકોને માર્યા, પરંતુ કોઈ પુરાવા તો આપ્યા નથી. તેઓ માત્ર જુઠ્ઠું બોલીને શાસન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, દેશમાં ભાઈઓને અલગ કરવાનું કામ સરકારે કર્યું છે. અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધારવાનું કામ કર્યું. મોંઘવારી અને બેરોજગારી ટોચ પર છે. પીએમ મોદીના કેટલાક ખાસ મિત્રોની આવક વધી છે. તેમણે કહ્યું હતું કે, જ્યારથી કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી છે ત્યારથી આતંકવાદી ઘટનાઓ વધી છે. રોજેરોજ એક યા બીજી ઘટના ઘટી રહી છે અને હવે તો રાજૌરી સુધી ઘટનાઓ ઘટવા લાગી રહી છે.
#WATCH | J&K: They (Centre) talk about surgical strikes and that they have killed so many of them but there is no proof: Congress leader Digvijaya Singh pic.twitter.com/3ovyecOpT9
— ANI (@ANI) January 23, 2023
'ધર્મ વેચીને લાશ પર રાજકારણ કરે છે'
આકરા પ્રહાર યથાવત રાખતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, સનાતન ધર્મ દરેકને પોતાનો પરિવાર માને છે. આ લોકો ધર્મ વેચે છે અને લાશો પર રાજનીતિ કરે છે. વિવેકાનંદજીએ કહ્યું હતું કે, દરેક ધર્મ માનવતા શીખવે છે, રસ્તા અલગ-અલગ હોઈ શકે છે પરંતુ દરેકની મંઝિલ તો એક જ છે. આ દેશને આઝાદી અપાવવા માટે હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓએ સાથે મળીને કામ કર્યું હતું. પરંતુ આ લોકોએ સૌકોઈ વચ્ચે નફરતનું બીજ વાવ્યું છે. ભારત જોડો યાત્રા એ સૌકોઈ માટે છે.
ભાજપે વળતો પ્રહાર કર્યો
તો બીજી તરફ દિગ્વિજય સિંહના આ નિવેદન પર ભાજપે પલટવાર કર્યો છે. ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીનું ચરિત્ર બેજવાબદાર નિવેદન કરવાનું છે. આપણા સુરક્ષા દળો વિરુદ્ધ બોલનાર કોઈપણને દેશ સાંખી નહીં લે. પીએમ મોદી પ્રત્યેની નફરતને કારણે રાહુલ ગાંધી અને દિગ્વિજય સિંહમાં દેશભક્તિ બાકી નથી. કોંગ્રેસની ભારત જોડો યાત્રા માત્ર એક બહાનું છે, હકીકતમાં આ લોકો ભારતને તોડવાનું કામ કરી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, જ્યારે આપણી બહાદુર સેના પાકિસ્તાનની સીમામાં ઘૂસી દુશ્મનોનો ખાતમો બોલાવે છે ત્યારે પાકિસ્તાનને પીડા થાય છે પરંતુ અહીં પણ કેટલાક લોકોને પીડા થાય છે. પુલવામા હુમલા બાદ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી હોવાની ઘટનાને પણ ભાટિયાએ યાદ અપાવી હતી.