(Source: ECI/ABP News/ABP Majha)
હવે ઘરે બેઠા જાતે જ કરી શકાશે કોરોના ટેસ્ટ, જાણો કેવી રીતે કામ કરશે ટેસ્ટ કિટ CoviSelf, કોણ કરી શકશે ટેસ્ટ?
કંપનીનું કહેવું છે કે આગામી અઠવાડિયાના અંત સુધી આ કીટ 7 લાખ દવાની દુકાન અને કંપનીના ઑનલાઈન ફાર્મસી પાર્ટનર પાસે ઉપલબ્ધ હશે.
કોરોનાની બીજી લહેર વચ્ચે હવે આપને કોરોના ટેસ્ટ માટે ન તો લાંબી લાઈનમાં ઉભા રહેવું પડશે અને ન તો રિપોર્ટ માટે રાહ જોવી પડશે. પુણેની 'માય લેબ' કંપનીએ ઘરે જ કોરોના ટેસ્ટ કરી શકાય તે માટેની કીટ 'કોવિશેલ્ફ' બનાવી છે. આ કીટથી રેપિડ એંટીજન ટેસ્ટ કરી શકાશે. અને 15 મિનિટમાં જ પરિણામ જાણી શકાશે.
હોમ આઇસોલેશન ટેસ્ટિંગ કિટ માટે MY LAB DISCOVERY SOLUTION LTD પુણેની કંપનીને પરવાનગી આપવામાં આવી છે. આ કિટનું નામ COVISELF (Pathocatch)છે. આ કિટ દ્વારા લોકોનું નેઝલ સ્લેબ લેવુ પડશે.
કંપનીનું કહેવું છે કે આગામી અઠવાડિયાના અંત સુધી આ કીટ 7 લાખ દવાની દુકાન અને કંપનીના ઑનલાઈન ફાર્મસી પાર્ટનર પાસે ઉપલબ્ધ હશે. ICMRએ આ કીટને મંજૂરી પણ આપી દીધી છે.
જો કે, ટેસ્ટિંગ માટે ICMR એ દિશા-નિર્દેશ પણ આપ્યા છે. ICMRનું કહેવું છે કે ઘર પર આ કીટનો ઉપયોગ એ લોકો જ કરી શકશે જેમને કોરોનાના લક્ષણ છે અથવા તો જેઓ કોરોના સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે. વગર વિચાર્યે લોકો આ ટેસ્ટ ન કરે તેવી ICMR એ સૂચન કર્યું છે.
ICMRના અનુસાર આ કીટથી ટેસ્ટમાં પોઝિટિવ આવનારને કોરોના સંક્રમિત ગણવામાં આવશે. પણ જેઓ નેગેટિવ આવશે. તેમને RT-PCR ટેસ્ટ કરાવવાની જરૂર નથી. પણ જો કોરોનાના લક્ષણ હોવા છતાં ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવે તો RT-PCR ટેસ્ટ કરાવવું જોઈએ.
ICMRનું કહેવું છે કે રેપિડ એંટિજન ટેસ્ટ કીટ સાથે અપાયેલા મેન્યુઅલમાં તેના ઉપયોગની તમામ જાણકારી રહેશે. તેને વાંચીને તેનું પાલન કરવાનું રહેશે. ICMRના અનુસાર ઘરે જ ટેસ્ટ કરનારા તમામ લોકો ટેસ્ટની તસવીર મોબાઈલ ફોનના માધ્યમથી એપમાં અપલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ICMRના મતે કોરોના સંક્રમિત દર્દીની ઓળખ જાહેર નહીં કરાય.
પોઝિટિવ આવનાર તમામ લોકોને હોમ આઇસોલેશનમાં રહેવા અને ICMR તથા સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન્સ અંતર્ગત સારસંભાળ રાખવાની સલાહ આપવામાં આવે છે.