શોધખોળ કરો
Advertisement
આંશિક છૂટછાટ સાથે આજથી લોકડાઉન-3ની શરૂઆત, જાણો કયા ઝોનમાં શું ખુલશે ને શું રહેશે બંધ
ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં હેર સલૂન, સ્પા અને સલૂનને ખોલવાની મંજૂરી અપાઈ છે. એ જ રીતે ઈ-કોમર્સ કંપનીઓને બીન-આવશ્યક વસ્તુઓના વેચાણને પણ મંજૂરી અપાઈ છે.
નવી દિલ્હીઃ અનેક છૂટછાટો સાથે દેશમાં લોકડાઉન-3ની શરૂઆત થઈ રહી છે. આ લોકડાઉન 17 મે સુધી લાગુ રહેશે. આ દરમિયાન પ્રવાસી મજૂરો, વિદ્યાર્થીઓ, શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ લોકડાઉનમાં જ્યાં ફસાયા હતા ત્યાંથી તેમને ઘરે જવાની મંજૂરી હશે. આ વખતે સરકારે કેટલીક છૂટ આપી છે પરંતુ કોરોના સંક્રમણને જોતા સમગ્ર દેશને રેડ ઝોન, ઓરેંજ ઝોન અને ગ્રીન ઝોન એમ ત્રણ શ્રેણીમાં વહેંચવામાં આવ્યો છે.
શું છે જિલ્લાની હાલત
- દેશના 130 જિલ્લા રેડ ઝોનમાં છે
- 284 જિલ્લા ઓરેંજ ઝોનમાં છે
- 319 જિલ્લા ગ્રીન ઝોનમાં છે.
દેશના લગભગ તમામ મોટા શહેર રેડ ઝોનમાં છે.
ગૃહમંત્રાલયના આદેશ મુજબ સમગ્ર દેશમાં દરેક ઝોનમાં હવાઈ, રેલવે, મેટ્રો અને આંતરરાજ્ય માર્ગ પરિવહન સેવાઓ, સ્કૂલો, કોલેજો અને કોચિંગ ક્લાસ સહિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ્સ અને રેસ્ટોરાં સહિતની હોસ્પિટાલિટી સેવાઓ પર પ્રતિબંધ યથાવત્ રહેશે. પ્રતિબંધિત સ્થળોની યાદીમાં વ્યાપક સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો જેમ કે સિનેમા હોલ, મોલ્સ, પાર્ક, જીમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક, ધાર્મિક અને અન્ય મેળાવડાઓનો પણ સમાવેશ થાય છે. જોકે, કન્ટેનમેન્ટ વિસ્તારો સિવાય બધા જ ઝોનમાં સવારે ૭.૦૦થી સાંજે ૭.૦૦ વચ્ચે બીન-આવશ્યક પ્રવૃત્તિઓ માટે પણ લોકોની મુવમેન્ટને મંજૂરી આપવામાં આવી છે.
ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં હેર સલૂન, સ્પા અને સલૂનને ખોલવાની મંજૂરી અપાઈ છે. એ જ રીતે ઈ-કોમર્સ કંપનીઓને બીન-આવશ્યક વસ્તુઓના વેચાણને પણ મંજૂરી અપાઈ છે. ઉપરાંત બધા જ ઝોનમાં ચોક્કસ પરિસ્થિતિ સાથે દારૂની દુકાનો ખોલવાની પણ મંજૂરી અપાઈ છે. પરંતુ ગ્રાહકોએ બે ગજનું અંતર રાખવું પડશે અને એક સમયે પાંચથી વધુ લોકો હાજર રહી શકશે નહીં. જોકે, બજાર અને મોલની દુકાનો ખુલી શકશે નહીં. લૉકડાઉનના પહેલા બે તબક્કામાં દારૂ, હેર સલૂન અને સ્પાની દુકાનોને ખોલવાની મંજૂરી અપાઈ નહોતી. ઈ-કોમર્સ કંપનીઓને પણ બીન-આવશ્યક ચીજોના વેચાણની મંજૂરી અપાઈ નહોતી.
બધા જ ઝોનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને અન્ય તકેદારીઓ સાથે હોસ્પિટલોમાં ઓપીડી અને મેડિકલ ક્લિનિકસને પણ ખોલવાની મંજૂરી અપાઈ છે. જોકે, કન્ટેનમેન્ટ વિસ્તારોમાં તેને મંજૂરી નથી અપાઈ. ગ્રીન ઝોન જાહેર થયેલા જિલ્લામાં સમગ્ર દેશમાં પ્રતિબંધિત સેવાઓ અને પ્રવૃત્તિઓ સિવાય દરેક પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી અપાઈ છે. ગ્રીન ઝોનમાં ૫૦ ટકાથી વધુ લોકો સાથે બસો ચાલી શકશે અને ડેપોમાં ૫૦ ટકાની ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી અપાઈ છે.
રેડ ઝોનમાં સાઈકલ રિક્ષા, ઓટો રિક્ષા, ટેક્સી, કેબ એગ્રેગેટર્સ સહિતના જાહેર પરિવહન ચલાવવા , આંતર જિલ્લા અને આંતર રાજ્ય બસો ચલાવવા, હેર સલૂનની દુકાનો, સ્પા, બ્યૂટી પાર્લર ખોલવા પર પ્રતિબંધ યથાવત્ રખાયા છે. જોકે, રેડ ઝોનમાં ફોર વ્હિલરમા મહત્તમ બે વ્યક્તિ અને ટુ-વ્હિલર પર પાછળની સિવાયના પરિવહનને મંજૂરી અપાઈ છે. રેડ ઝોનમાં ઈ-કોમર્સ કંપનીઓને માત્ર આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણની મંજૂરી અપાઈ છે. હેર સલૂન, સ્પા અને સલૂન્સ ખોલી શકાશે નહીં. રેડ ઝોનમાં ૩૩ ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસોને પણ ખોલવાની મંજૂરી અપાઈ છે.
ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રોમાં તમામ પ્રકારના ઔદ્યોગિક અને ઉત્પાદન એકમોના કામ, મનરેગાના કામ, ફૂડ પ્રોસેસિંગ યુનિટ, ઈંટ-ભઠ્ઠા પર કામ ચાલુ રહેશે. શહેરી ક્ષેત્રોમાં પણ શોપિંગ મોલ સિવાય દુકાનો ખુલશે. આ સિવાય રેડ ઝોનમાં ખેતી કામ, પશુપાલન, માછલી પાલન માટે મંજૂરી અપાઈ છે. રેડ ઝોન જાહેર કરાયેલા શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં પ્લાન્ટેશનનું કામ, દરેક પ્રકારની સ્વાસ્થ્ય સેવાઓને છૂટ અપાઈ છે.
રેડ ઝોનમાં ફાઈનાન્સિયલ સેક્ટર પણ ખુલ્લા રહેશે, જેમાં બેન્ક, બેન્કિંગ સિવાયના એકમો, ઈન્સ્યોરન્સ અને કેપિટલ માર્કેટ એક્ટિવિટી તથા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીનો સમાવેશ થાય છે. આંગણવાડી, વીજળી, પાણી, સેનિટેશન, વેસ્ટ મેનેજમેન્ટ, ટેલિકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ કેરિયર તથા પોસ્ટલ સર્વિસ પણ ચાલુ રહેશે. રેડ ઝોનમાં મોટાભાગની કોમર્શિયલ અને પ્રાઈવેટ એસ્ટાબ્લિસમેન્ટને મંજૂરી અપાઈ છે. તેમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, આઈટી અને ડેટા તથા કોલ સેન્ટર્સ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસ, પ્રાઈવેટ સિક્યોરિટી અને સેલ્ફ-બિઝનેસને મંજૂરી અપાઈ છે.
ઓરેન્જ ઝોનમાં રેડ ઝોનમાં અપાયેલી છૂટછાટ ઉપરાંત ટેક્સી અને કેબના સંચાલનની મંજૂરી અપાઈ છે, પરંતુ તેમાં ડ્રાઈવર સિવાય માત્ર એક જ પેસેન્જર બેસાડી શકાશે. આ સિવાય છૂટ મેળવનાર સેવાઓમાં સામેલ લોકો અને વ્હિકલને જિલ્લા બહાર આવવા-જવાની મંજૂરી હશે. ફોર વ્હિલરમાં ડ્રાઈવર સિવાય બે જ પેસેન્જર બેસી શકશે. ટુ-વ્હિલરમાં પાછળ એક વ્યક્તિને બેસવાની મંજૂરી હશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion