Hun To Bolish : હું તો બોલીશ : વિભાજન પર વિરોધનું વાવાઝોડું કેમ?
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થઈને વાવ-થરાદ જિલ્લો અલગ બન્યો છે. નવો જિલ્લો બનતા જ નવો વિવાદ પણ શરૂ થયો. વાવ-થરાદને જિલ્લો જાહેર કરાતા 3 દિવસથી ઠેક ઠેકાણે થઈ રહ્યો છે વિરોધ. ધાનેરા અને કાંકરેજ તાલુકાને જૂના બનાસકાંઠામાં સમાવવાની માગ સાથે સ્થાનિક રાજકીય નેતાઓ પણ મેદાને આવ્યા છે. અસમતોલ વિભાજન અને સ્થાનિક લોકોના મત જાણ્યા વિના જ વિભાજન કરી દેવાયાના સૂર સાથે ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાની પ્રજા 3 દિવસથી વિરોધ કરી રહી છે. શિહોરી વિશ્રામ ગૃહ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ સભા યોજાઈ. જેમાં ખેડૂતો. વેપારીઓ અને રાજકીય આગેવાનો હાજર રહ્યા. સભા બાદ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર અપાયું. લોકોએ માગ કરી કે, કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. આજે ધાનેરાની બજારો બંધ રહી. સાથે જ વિરોધ સ્વરૂપે રેલી નીકળી. જેમાં ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી પટેલ પણ જોડાયા. ધાનેરાના લોકોની માગ છે કે, તેમના તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે.