Delhi Excise કેસ મામલે 8 આરોપીઓ સામે લુક આઉટ નોટીસ જાહેર, જાણો કોના પર સકંજો કસાયો
CBIએ એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી દીધો છે.
Delhi Liquor Policy Case: CBIએ એક્સાઈઝ પોલિસી કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી દીધો છે. સૂત્રોને ટાંકીને આ માહિતી મળી છે. FIRમાં કુલ 9 ખાનગી લોકોના નામ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરનોદ રેકોર્ડ્સના પૂર્વ ઉપાધ્યક્ષ મનોજ રાય સિવાય તમામ વ્યક્તિઓ વિરુદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી છે.
આરોપીઓમાં ઓન્લી મચ લાઉડરના પૂર્વ સીઈઓ વિજય નાયર, બ્રિન્ડકો સ્પિરિટ્સના માલિક અમનદીપ ધલ, ઈન્ડોસ્પિરિટના માલિક સમીર મહેન્દ્રુ, બડી રિટેલના ડિરેક્ટર અમિત અરોરા, રાધા ઈન્ડસ્ટ્રીઝના દિનેશ અરોરા, મહાદેવ લિકરના માલિક સની મારવાહનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપીઓમાં અર્જુન રામચંદ્ર પિલ્લઈ અને અર્જુન પાંડેનો સમાવેશ થાય છે.
મનીષ સિસોદિયાએ કર્યો હતો આ દાવોઃ
અગાઉ, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક્સાઇઝ પોલિસીમાં કથિત ભ્રષ્ટાચારના કેસના સંબંધમાં તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. જો કે, અધિકારીઓએ આ દાવાને નકારી કાઢતા કહ્યું કે, તપાસ એજન્સીએ હજુ સુધી કોઈપણ આરોપી સામે આવી કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે હવે સત્તાવાર રીતે 8 લોકો વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યો છે.
મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરી છે. આ પગલાને એક યુક્તિ ગણાવતા, તેમણે કહ્યું કે તપાસ એજન્સીને તેમના નિવાસસ્થાન પર દરોડા દરમિયાન કંઈપણ મળ્યું નથી. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું કે, તેઓ દિલ્હીમાં મુક્તપણે ફરી રહ્યા હતા. સિસોદિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછ્યું કે, "શું તેઓ તેમને શોધી શક્યા નથી."
લુક આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ શું થાય છે?
લુક આઉટ સર્ક્યુલર જાહેર થયા બાદ સંબંધિત તપાસ એજન્સી તે વ્યક્તિ વિશે બ્યુરો ઓફ ઈમિગ્રેશનને (BoI) સૂચિત કરે છે જે સંબંધિત તપાસ એજન્સીને જાણ કર્યા વગર દેશ છોડીને જઈ શકતા નથી. ત્યાર બાદ બ્યુરો ઓફ ઈમિગ્રેશન આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર અને વિવિધ પોર્ટ-બંદરો પર સંબંધિત વ્યક્તિ સામે જાહેર થયેલી લૂક આઉટ નોટિસ અંગે જાણ કરે છે.
કેટલીક કેટેગરીની લુક આઉટ નોટિસમાં વ્યક્તિના દેશ છોડવા પર સંપુર્ણ મનાઈ હોય છે. જ્યારે કેટલા કેસની કેટેગરીવાળી લૂક આઉટ નોટિસમાં સંબંધિત તપાસ એજન્સીને જાણ કર્યા બાદ વ્યક્તિ દેશ છોડીને બહાર જઈ શકે છે.