(Source: ECI/ABP News/ABP Majha)
Court News: જીવનસાથીને લાંબા સમય સુધી શારીરિક સંબંધ ના બાંધવા દેવા માનસિક ક્રૂરતા, Allahabad હાઇકોર્ટની ટિપ્પણી
કોર્ટે કહ્યું હતું કે જો કોઇ પતિ અથવા પત્ની પોતાના જીવનસાથીને કોઇ પણ પ્રકારના કારણ વિના લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવા ના દે તો એ માનસિક ક્રૂરતા બરોબર છે.
Allahabad High Court News: અલ્હાબાદ હાઈકોર્ટે એક કપલ સાથે જોડાયેલા કેસની સુનાવણી દરમિયાન મોટી ટિપ્પણી કરી છે. કોર્ટે લાંબા સમય સુધી જીવનસાથીને શારીરિક સંબંધ ના બાંધવા દેવો માનસિક ક્રૂરતા ગણાવી હતી. કોર્ટે કહ્યું હતું કે જો કોઇ પતિ અથવા પત્ની પોતાના જીવનસાથીને કોઇ પણ પ્રકારના કારણ વિના લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવા ના દે તો એ માનસિક ક્રૂરતા બરોબર છે.
જસ્ટિસ સુનીત કુમાર અને રાજેન્દ્ર કુમાર-4ની ડિવિઝન બેન્ચે માનસિક ક્રૂરતાના આધારે દંપતીના વૈવાહિક સંબંધોને સમાપ્ત કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે અવલોકન કર્યું હતું કે, "પોતાના જીવનસાથીને કોઇ પણ પ્રકારના કારણ વિના લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવા ના દેવો તે જીવનસાથી પ્રત્યે માનસિક ક્રૂરતા સમાન છે."
ચુકાદો આપતી વખતે બેન્ચે કહ્યું હતું કે , "એવું માનવામાં કોઇ યોગ્ય કારણ નથી કે એક પતિ અથવા પત્નીને પાર્ટનર સાથે જીવન ફરી શરૂ કરવા માટે મજબૂર કરી શકાય છે. કપલને હંમેશા લગ્નમાં જોડી રાખવાના પ્રયાસ કરવાથી કાંઇ મળતું નથી જે વાસ્તવમાં ખત્મ થઇ ગયું હોય છે.
શું છે સમગ્ર ઘટના ?
કોર્ટ હિંદુ મેરેજ એક્ટની કલમ 13 હેઠળ તેની છૂટાછેડાની અરજી ફગાવી દેનાર ફેમિલી કોર્ટના આદેશ સામે પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી. પતિએ આરોપ લગાવ્યો હતો કે લગ્ન પછી તેની પત્નીનું તેના પ્રત્યેનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું અને તેણે તેની સાથે રહેવાની ના પાડી દીધી હતી. પત્નીએ પોતાની મરજીથી થોડા સમય પછી તેના માતાપિતાના ઘરે રહેવા જતી રહી હતી.
પંચાયત દ્વારા છૂટાછેડા લેવાયા હતા
લગ્નના છ મહિના પછી જ્યારે પતિએ તેની પત્નીને ફરીથી સાસરે પરત લાવવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો તો તેણે પરત આવવાની ના પાડી હતી. જૂલાઇ 1994માં ગામમાં જ યોજાયેલી પંચાયત દ્વારા પતિએ પત્નીને 22 હજારનું કાયમી ભરણપોષણ આપ્યા બાદ દંપતીએ પરસ્પર છૂટાછેડા લીધા હતા. પત્નીના ફરીથી લગ્ન કર્યા બાદ પતિએ માનસિક ક્રૂરતા અને લાંબા સમય સુધી પરેશાન રહેવાના આધારે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની માંગણી કરી હતી.
હાઈકોર્ટે છૂટાછેડાનો આદેશ આપ્યો
ફેમિલી કોર્ટે આ બાબતને એક પક્ષે આગળ વધાર્યો અને પતિની અરજીને ફગાવી દીધી હતી. એવું અવલોકન કર્યું કે છૂટાછેડા આપવા માટે ક્રૂરતાનો કોઇ આધાર નથી. હવે હકીકતો જોયા પછી હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે ફેમિલી કોર્ટે પતિના કેસને ફગાવી દેતી વખતે હાઇપર-ટેક્નિકલ અભિગમ અપનાવ્યો હતો. સમગ્ર મામલાની સુનાવણી કર્યા બાદ હાઈકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને રદ્દ કર્યો હતો અને અરજીકર્તાના છૂટાછેડાનો આદેશ આપ્યો હતો.