એલોન મસ્કની કંપની 'X'એ મોદી સરકાર સામે ખોલ્યો મોરચો, આ મુદ્દે કોર્ટમાં કરી દીધો કેસ
'IT એક્ટ'નો દુરુપયોગ કરીને કન્ટેન્ટ બ્લોક કરાઈ રહ્યું છે, લેખિત કારણ અને સુનાવણી જરૂરી: 'X'

Elon Musk X case: એલોન મસ્કની માલિકીની સોશિયલ મીડિયા કંપની 'X' કોર્પે ભારત સરકાર સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કંપનીએ કર્ણાટક હાઈકોર્ટમાં સરકાર વિરુદ્ધ અરજી દાખલ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT) એક્ટની કલમ 79(3)(B)ની બંધારણીયતાને પડકારી છે. 'X'નું કહેવું છે કે આ કલમ ગેરકાયદેસર અને અમર્યાદિત સેન્સરશિપનું માળખું ઊભું કરે છે, જેના કારણે સરકાર દ્વારા કન્ટેન્ટને બ્લોક કરવામાં આવતા પ્લેટફોર્મની કામગીરી પર ખરાબ અસર પડી રહી છે.
કંપનીએ પોતાની અરજીમાં જણાવ્યું છે કે કોઈપણ કન્ટેન્ટને હટાવવા માટે સરકાર દ્વારા લેખિતમાં યોગ્ય કારણો આપવા જરૂરી છે. આ ઉપરાંત, નિર્ણય લેતા પહેલા અસરગ્રસ્ત પક્ષને પોતાની વાત રજૂ કરવાની યોગ્ય તક એટલે કે સુનાવણીની વ્યવસ્થા પણ હોવી જોઈએ. 'X'નું માનવું છે કે સરકારના આ પ્રકારના આદેશોને કાયદાકીય રીતે પડકારવાનો અધિકાર પણ મળવો જોઈએ. આ સંદર્ભમાં કંપનીએ વર્ષ 2015ના શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે.
મહત્વની વાત એ છે કે આ ઘટના એવા સમયે બની છે જ્યારે કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રાલયે 'X' પાસે તેના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ Grok અંગે ખુલાસો માંગ્યો છે. સરકારને Grok દ્વારા ઘણા પ્રશ્નોના જવાબમાં ઉપયોગમાં લેવાતી અપમાનજનક ભાષા અંગે વાંધો છે અને આ બાબતે કંપની પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી છે.
'X'એ ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) દ્વારા IT એક્ટની કલમ 79(3)(B) હેઠળ આપવામાં આવેલા આદેશોના અમલ માટે બનાવેલા સહયોગ પોર્ટલ પર તેના એક કર્મચારીને પોસ્ટ ન કરવા દેવાના મુદ્દે પણ કોર્ટ પાસે રક્ષણની માંગણી કરી છે. IT એક્ટ અનુસાર, જો કોઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ કાયદાનું પાલન ન કરે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
'X'એ પોતાની અરજીમાં ભારપૂર્વક જણાવ્યું છે કે IT એક્ટની કલમ 69A માત્ર રાષ્ટ્રીય સુરક્ષા જેવા ચોક્કસ અને ગંભીર કારણોસર જ કન્ટેન્ટને બ્લોક કરવાની મંજૂરી આપે છે અને તેમાં પણ એક સમીક્ષા પ્રક્રિયાનું પાલન કરવું જરૂરી છે. તેનાથી વિપરીત, કલમ 79(3)(b)માં કોઈ સ્પષ્ટ નિયમો કે માર્ગદર્શિકા નથી, જેના કારણે અધિકારીઓને યોગ્ય તપાસ કર્યા વિના જ કોઈપણ કન્ટેન્ટને બ્લોક કરવાની સત્તા મળી જાય છે. કંપનીનું કહેવું છે કે IT એક્ટની આ કલમ ભારતમાં સેન્સરશિપને પ્રોત્સાહન આપી રહી છે.
'X'નું વધુમાં કહેવું છે કે કેન્દ્ર સરકારના આ પગલાં ભારતમાં તેના વ્યવસાયને નોંધપાત્ર નુકસાન પહોંચાડી રહ્યા છે. કંપની તેના પ્લેટફોર્મ પર કાયદેસરની માહિતી શેર કરતા વપરાશકર્તાઓ પર નિર્ભર છે અને તેને ડર છે કે સરકાર દ્વારા કરવામાં આવતા આવા રેન્ડમ બ્લોકિંગ ઓર્ડર તેના પ્લેટફોર્મ અને તેના પર વિશ્વાસ મૂકનારા વપરાશકર્તાઓના વિશ્વાસને તોડી શકે છે. 17 માર્ચે આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ 'X' કંપનીના અધિકારીઓને જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર કંપની સામે કોઈ ગંભીર પગલાં લેશે તો તેઓ ફરીથી કોર્ટનો સંપર્ક કરી શકે છે. હાલમાં આ મામલે કોર્ટનો શું નિર્ણય આવે છે તેના પર સૌની નજર છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
