Exclusive:ABP ન્યૂઝના હાથમાં આવી સોનાલી ફોગાટ હત્યાકાંડના કેસની ડાયરી, મોતના દિવસથી લઈ PAની કબૂલાતનો ઉલ્લેખ
સોનાલી ફોગાટ મર્ડર કેસનો ભેદ હજુ ઉકેલાયો નથી. આ દરમિયાન ગોવા પોલીસની કેસ ડાયરી હવે એબીપી ન્યૂઝના હાથમાં આવી છે.
Sonali Phogat Murder Case: સોનાલી ફોગાટ મર્ડર કેસનો ભેદ હજુ ઉકેલાયો નથી. આ દરમિયાન ગોવા પોલીસની કેસ ડાયરી હવે એબીપી ન્યૂઝના હાથમાં આવી છે, જેમાં સોનાલી ફોગાટના મૃત્યુના દિવસની સંપૂર્ણ સ્ટોરી લખવામાં આવી છે. ડાયરીના પાનામાં મૃત્યુના દિવસે શું થયું તેનો ઉલ્લેખ છે, આ સાથે જ સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેના ભાગીદાર સુખવિંદરની કબૂલાત પણ મળી આવી છે.
ડાયરીમાં લખવામાં આવ્યું છે કે અંજુના પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પ્રશાલ નાઈકે જણાવ્યું કે તેમને 23 ઓગસ્ટના રોજ સવારે 9.22 વાગ્યે સેન્ટ એન્થોની હોસ્પિટલમાંથી મેડિકલ ઓફિસરનો ફોન આવ્યો હતો, ત્યારબાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ઈન્સ્પેક્ટર દ્વારા પૂછપરછમાં જણાવવામાં આવ્યું હતું કે સોનાલી ફોગાટને અહીં લાવવામાં આવે તે પહેલા તેનું મૃત્યુ થઈ ગયું હતું.
સોનાલીને ઉલ્ટી થઈ હતી
આ સાથે જ ડાયરીમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, સુધીર અને સુખવિંદરની પૂછપરછમાં તેઓએ જણાવ્યું કે જ્યારે તેઓ કુર્લીસ રેસ્ટોરન્ટમાં હતા ત્યારે સોનાલીએ સુધીરને કહ્યું હતું કે તેણીની તબિયત સારી નથી, ત્યારબાદ સોનાલીને 2.30 વાગ્યાની આસપાસ લેડીઝ શૌચાલયમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીને ઉલટી થઈ હતી અને તે ડાન્સ કરવા માટે પાછી આવી હતી.
સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
આ પછી સોનાલીના કહેવા પર સુધીર સવારે સાડા ચાર વાગ્યે સોનાલીને ટોયલેટમાં લઈ ગયો, પરંતુ ત્યારબાદ તે થોડીવાર ત્યાં જ સૂઈ ગઈ. સવારે 6 વાગ્યાની આસપાસ, 2 લોકોની મદદથી સુધીર અને સુખવિંદર સોનાલીને કુર્લીસ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં લઈ આવ્યા, જ્યાંથી તેઓ ટેક્સીમાં ગ્રાન્ડ લિયોની રિસોર્ટ પહોંચ્યા. અહીં પહોંચ્યા બાદ સોનાલીની તબિયત બગડવા લાગી હતી જેના પછી તેને સેન્ટ એન્થોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
સુધીર સાંગવાનનું કબૂલાતનામુ એબીપી ન્યૂઝના હાથમાં આવ્યું
ડાયરીના ત્રીજા પાના પર સુધીર સાંગવાનની કબૂલાત મળી હતી. આ કબૂલાતમાં સુધીરે જણાવ્યું હતું કે તે સોનાલીને પાર્ટીના નામે કુર્લીસ સાથે લઈ ગયો હતો જ્યાં તેણે તેને બળજબરીથી પાણીમાં ડ્રગ્સ ભેળવીને પીવડાવ્યું હતું. સુધીરે પોતાના કબૂલાતમાં એમ પણ કહ્યું હતું કે સુખવિંદરે તેને ડ્રગ્સ લેવામાં મદદ કરી હતી જે પછી સુખવિંદરે પણ આ હકીકત કબૂલી હતી.
કબૂલાતમાં સુધીરે વધુમાં જણાવ્યું હતું કે તેણે પાણીની બોટલમાં ડ્રગ્સ મિક્સ કર્યું હતું જે તેણે પોતે સોનાલી અને સુખવિંદરને પણ આપ્યું હતું. ત્યારપછી સુધીર પોલીસકર્મીઓને કુર્લીસના ટોયલેટમાં લઈ ગયો જ્યાં તેઓ ડ્રગ્સ છુપાવતા હતા. તેણે પોલીસને જણાવ્યું કે તેણે ફ્લશની અંદર ડ્રગ્સ છુપાવ્યું હતું જે પોલીસે રિકવર કર્યું છે.