Fact Check: ભાજપે 1000થી ઓછા મતના અંતરથી નથી જીતી 100 કરતા વધુ લોકસભા બેઠકો
લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીતનું સૌથી ઓછું માર્જિન 1,587 મત હતું, જે સોશિયલ મીડિયા પર બતાવવામાં આવેલા '500' અથવા '1000'ના માર્જિન કરતાં ઘણું વધારે છે.

ફેક્ટ ચેક
નિર્ણય [અસત્ય]
લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની જીતનું સૌથી ઓછું માર્જિન 1,587 મત હતું, જે સોશિયલ મીડિયા પર બતાવવામાં આવેલા '500' અથવા '1000'ના માર્જિન કરતાં ઘણું વધારે છે.
દાવો શું છે?
2024 ની લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી સોશિયલ મીડિયા પર દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી (BJP) એ "500 થી ઓછા મતોના માર્જિનથી 30 બેઠકો" અને "100 થી વધુ બેઠકો 1,000 થી ઓછા મતોના માર્જિનથી જીતી છે." વાયરલ પોસ્ટમાં ઇવીએમમાં હેરફેર અને ગેરરીતિનો આરોપ લગાવવામાં આવ્યો છે જેની તપાસની માંગ કરાઇ છે. અહીં વાયરલ પોસ્ટના આર્કાઇવનું વર્ઝન જુઓ
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટનો સ્ક્રીનશોર્ટ. (સોર્સઃ એક્સ/વોટ્સએપ/ સ્ક્રીનશોર્ટ)
ભારતના ચૂંટણી પંચ (ECI) મુજબ, ભાજપે લોકસભા ચૂંટણીમાં 543 માંથી 240 બેઠકો જીતી હતી, જેના પરિણામો 4 જૂન, 2024 ના રોજ જાહેર થયા હતા. જો કે ચૂંટણી પંચના આંકડા દર્શાવે છે કે વાયરલ થયેલો દાવો ખોટો છે.
સત્ય શું છે?
અમે ભારતીય ચૂંટણી પંચની વેબસાઈટ પરના સત્તાવાર ડેટાનું વિશ્લેષણ કર્યું અને જાણવા મળ્યું કે ભાજપનો કોઈ ઉમેદવાર 2024ની લોકસભા ચૂંટણી "500 કરતાં ઓછા મતો" અથવા "1,000થી ઓછા મતો"ના માર્જિનથી જીત્યો ન હતો જેવો દાવો કરવામાં આવી રહ્યો છે.
ભાજપની જીતનું સૌથી ઓછું અંતર ઓડિશાના જાજપુરમાં રહ્યું હતું જ્યાં ભાજપના રવિન્દ્ર નારાયણ બેહરાએ 1,587 મતોના માર્જિનથી લોકસભા બેઠક જીતી હતી. બેહરાને 534,239 મત મળ્યા અને બીજુ જનતા દળ (BJD)ના શર્મિષ્ઠા સેઠીને હરાવ્યા, જેમને 532,652 મત મળ્યા હતા.
ભાજપના ઉમેદવાર માટે બીજી સૌથી નજીકની જીત રાજસ્થાનના જયપુર ગ્રામીણમાં હતી, જ્યાં ભાજપના રાવ રાજેન્દ્ર સિંહ 1,615 મતોના માર્જિનથી જીત્યા હતા. રાજેન્દ્ર સિંહને 617,877 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક ચોપરાને 616,262 વોટ મળ્યા હતા.
છત્તીસગઢની કાંકેર લોકસભા બેઠક પર ભાજપના ભોજરાજ નાગે 1,884 મતોના માર્જિનથી જીત મેળવી હતી. તેમને 597,624 મતો મેળવીને કોંગ્રેસના બિરેશ ઠાકુરને હરાવ્યા, જેમને 595,740 મત મળ્યા હતા. આ સિવાય બીજેપીના અન્ય તમામ ઉમેદવારો 2,000થી વધુ મતોની સરસાઈથી જીત્યા હતા.
ભાજપ ઉમેદવાર જેમણે પાંચ હજારથી પણ ઓછા મતના અંતરથી પોતાની બેઠક જીતી. (સોર્સઃ ચૂંટણી પંચ/ સ્ક્રીનશોર્ટ)
આ ઉપરાંત 2024ની લોકસભા ચૂંટણીમાં સૌથી ઓછો જીત-હારનો રેશિયો મુંબઈ નોર્થ વેસ્ટ મતવિસ્તારમાં હતો, જ્યાં ભાજપનો સહયોગી ચૂંટણી લડી રહ્યા હતા. આ સીટ પર શિવસેનાના ઉમેદવાર રવિન્દ્ર દત્તારામ વાયકરે 452,644 વોટ મેળવીને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના અમોલ ગજાનન કીર્તિકરને માત્ર 48 વોટથી હરાવ્યા હતા.
નિર્ણય
ભારતના ચૂંટણી પંચના ડેટા સ્પષ્ટ કરે છે કે ભાજપના ઉમેદવારની જીતનું સૌથી નાનું માર્જિન 1,587 હતું, જે 1,000 અથવા 500 કરતા ઓછા માર્જિનથી જીતના દાવાઓને નકારી કાઢે છે. અધિકૃત ડેટા ઓનલાઈન કરવામાં આવેલા દાવાઓનું ખંડન કરે છે.
અસ્વીકરણ: આ અહેવાલ સૌ પ્રથમ logicalfacts.com પર પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ વાર્તા ABP લાઈવ હિન્દીમાં વિશેષ વ્યવસ્થા સાથે પુનઃપ્રકાશિત કરવામાં આવી છે. એબીપી લાઈવ હિન્દીએ હેડલાઈન સિવાય રિપોર્ટમાં કોઈ ફેરફાર કર્યો નથી.
Disclaimer: આ રિપોર્ટ પહેલા Logically Facts પર છપાયો હતો. Shakti Collective સાથે આ સ્ટોરી એબીપી અસ્મિતા ગુજરાતીમાં રિપબ્લિશ કરવામાં આવી છે. એબીપી અસ્મિતાએ હેડલાઇન સિવાય રિપોર્ટમાં કોઇ ફેરફાર કર્યો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
