Jammu Kashmir Congress: જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં નવાજૂનીના એંધાણ, ગુલામ નબી આઝાદે લીધો મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ હવે થોડા કલાકો બાદ જ ગુલામ નબી આઝાદે તે પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Jammu Kashmir Congress: જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પરંતુ હવે થોડા કલાકો બાદ જ ગુલામ નબી આઝાદે તે પદ પરથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસના નેતાએ થોડા કલાકો પછી પક્ષ દ્વારા આપવામાં આવેલા પદ પરથી રાજીનામું કેમ આપ્યું તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં હલચલ વધુ તેજ બની છે.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે મંગળવારે કોંગ્રેસે પોતાના જમ્મુ-કાશ્મીર સંગઠનમાં મોટો ફેરફાર કર્યો હતો. સંગઠનને વધુ મજબૂત કરવા માટે ઘણી નવી નિમણૂંકો કરવામાં આવી હતી. પાર્ટીએ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રચાર સમિતિના અધ્યક્ષ અને તારિક હામિદ કર્રાને ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. ગુલામ નબી આઝાદને રાજકીય બાબતોની સમિતિ અને સંકલન સમિતિના વડા પણ બનાવવામાં આવ્યા હતા. જ્યારે મેનિફેસ્ટો કમિટીના વડા પ્રો. સૈફુદ્દીન સોઝ અને ઉપપ્રમુખ એડવોકેટની જવાબદારી એમ.કે.ભારદ્વાજને સોપવામાં આવી હતી. મુલા રામને પ્રચાર અને પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
પરંતુ આ નિમણૂકોના થોડા કલાકો પછી, ગુલામ નબી આઝાદે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. જો કે, આ નવી જવાબદારી મળતા પહેલા ગુલામ નબીએ જમ્મુ-કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તે પછી જ પાર્ટીએ પોતાના સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા.
ભાજપમાં જોડાવાના અહેવાલ વચ્ચે લલિત વસોયાએ કર્યો ધડાકો
Gujarat Congress: વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ગુજરાત કોંગ્રેસના નેતાઓની બેઠક રાજકોટ ખાતે મળી હતી. જેમાં સૌની નજર ધોરાજીના ઘારાસભ્ય લલિત વસોયા પર હતી. કારણ કે છેલ્લા ઘણા સમયથી એવી વાતો સામે આવી રહી છે કે, લલિત વસોયા સહિતના કેટલાક નેતાઓ ભાજપમાં જોડાવાની છે. જો કે આ વાત અંગે ધારાસભ્ય લલિત વસોયાએ ખુલાસો કર્યો છે.
રાજકોટમાં ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મારો નિર્ણય ડંકાની ચોટ પર હોય છે. હું કોંગ્રેસમાં જ રહેવાનો છું અને કોંગ્રેસમાં જ રહીશ. 2022મા કોંગ્રેસે ચૂંટણી લડવા માટે ટિકિટ આપશે તો લડીશ નહીંતર કાર્યકર્તા તરીકે કામ કરીશ. રાજકોટ-ધોરાજીમાં લગાડવામાં આવેલા પોસ્ટરને લઇને લલિત વસોયાએ કહ્યું કે. હું જન્માષ્ટમી પર્વ પર રાજકારણ કરવા માંગતો નથી. જ્યારે પણ પક્ષ છોડવો હશે ત્યારે ડંકાની ચોટ પર કહીશ.
રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર જોનની બેઠક હેમુ ગઢવી હોલ ખાતે યોજાઈ હતી. બેઠકમાં સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને સાંસદો પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રામ કિશન ઓઝા, અર્જુન મોઢવાડિયા, પરેશ ધાનાણી, લલિત કગથરા, લલિત વસોયા, વીરજી ઠુમ્મર, પ્રતાપ દુધાત, વિક્રમ માડમ, હર્ષદ રીબડિયા, ચિરાગ કાલરીયા, અંબરીશ ડેર, ઋત્વિજ મકવાણા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
તો બીજી તરફ સૌરાષ્ટ્ર ઝોનની બેઠકમાં શક્તિસિંહે આમ આદમી પાર્ટી પર નિશાન સાંધ્યું હતું. આમ આદમી પાર્ટીનું સાચું નામ અમીર આદમી પાર્ટી છે. શક્તિસિંહે કાર્યકર્તાઓને ટકોર કરતા કહ્યું કે, જે લોકો નારાજ હોય તેઓ પોતાની નારાજગી વ્યક્ત કરે. નારાજ નેતાઓએ વિચારધારા ન છોડવી જોઇએ. કાર્યકર્તાઓએ એકબીજાને ખેંચવામાં પોતાની તાકાત ન બગાડે, ભાજપ સામે પોતાની તાકાત વ્યક્ત કરે. આ ઉપરાંત પરેશ ધાનાણીએ પણ કેટલીક ટકોર કરી હતી. રાજકોટમાં પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જાહેરમાં લલિત કગથરાને કહ્યું કે. જાવ તો કહેતા જજો ,ખોંખારો ખાઈને કહેતા જજો.