મહારાષ્ટ્રમાં બાદ વધુ એક રાજ્યમાં ભાજપની પ્રચંડ જીત! કોંગ્રેસના સૂપડા સાફ
જિલ્લા પંચાયત ચૂંટણીમાં 30 બેઠકો પર ભગવો લહેરાયો, પીએમ મોદીએ કહ્યું- 'ગોવા એટલે સુશાસન', CM સાવંતે માન્યો આભાર.

Goa Zila Panchayat Result: મહારાષ્ટ્ર વિધાનસભાની જીતનો ઉત્સાહ હજુ શમ્યો નથી ત્યાં મહારાષ્ટ્ર પછી વધુ એક ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત જોવા મળી છે. સોમવારે જાહેર થયેલા ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામો (Goa Zila Panchayat Election Results) માં ભારતીય જનતા પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું છે. 50 બેઠકોમાંથી 30 બેઠકો જીતીને ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ગોવામાં ભાજપની જીતથી ખુશ પીએમ મોદી એ ટ્વીટ કરીને જનતાનો આભાર માન્યો છે અને ગોવાને સુશાસનનું પ્રતીક ગણાવ્યું છે.
વર્ષ 2025 ની ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે જનતાનો ઝુકાવ કઈ તરફ છે. 22 ડિસેમ્બર, સોમવારના રોજ જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવી ત્યારે ભાજપના કાર્યકરોમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીને આ ચૂંટણીમાં પણ કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
ભાજપનું એકતરફી પ્રદર્શન, કોંગ્રેસની પીછેહઠ
ગોવા જિલ્લા પંચાયતની કુલ 50 બેઠકો માટે રસાકસી હતી. પરિણામો મુજબ, ભારતીય જનતા પાર્ટીએ અડધાથી વધુ એટલે કે 30 બેઠકો પર વિજય મેળવ્યો છે. જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ માત્ર 8 બેઠકો પર જ જીત મેળવી શકી છે. અન્ય પક્ષોની વાત કરીએ તો આમ આદમી પાર્ટી (AAP) અને મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી (MGP) ને 2-2 બેઠકો મળી છે.
પરિણામો પર એક નજર (Scorecard):
ભાજપ: 30
કોંગ્રેસ: 8
અપક્ષ: 5
MGP: 2
AAP: 2
RGP: 2
GFP: 1
'ગોવા એટલે સુશાસન'- પીએમ મોદીનો સંદેશ
ગોવામાં મળેલા આ પ્રચંડ જનાદેશ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું હતું કે, "ગોવા એટલે સુશાસન અને ગોવા એટલે પ્રગતિશીલ રાજકારણ." પીએમ મોદીએ ભાજપ-MGP (NDA) ગઠબંધન પર વિશ્વાસ મુકવા બદલ ગોવાના બહેનો અને ભાઈઓનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે આ પરિણામો રાજ્યના વિકાસ માટેના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. કાર્યકરોની મહેનતને બિરદાવતા તેમણે કહ્યું કે ગ્રાઉન્ડ લેવલ પર કરેલા કામનું આ પરિણામ છે.
CM પ્રમોદ સાવંતે કહ્યું- 'ભાજપ નંબર 1'
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પણ આ ઐતિહાસિક જીતને વધાવી લીધી હતી. તેમણે કહ્યું કે, "ગોવામાં ફરી એકવાર સાબિત થયું છે કે ભાજપ નંબર 1 છે. આ જીત વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી ડબલ એન્જિન સરકારમાં લોકોના અતૂટ વિશ્વાસનું પરિણામ છે." મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન ગોવામાં પારદર્શક શાસન અને સર્વાંગી વિકાસ માટે સતત કામ કરતું રહેશે. 'વિકસિત ભારત' ના સંકલ્પને સાકાર કરવામાં ગોવા મહત્વની ભૂમિકા ભજવશે.





















