MP Politics: ભાજપના મંત્રીએ જ સરકારની પોલ ખોલી! "ચૂંટણી જીતવા વાયદા કર્યા, પણ હવે અમલ માટે પૈસા નથી"
Kailash Vijayvargiya: ભાજપના કદાવર નેતાના નિવેદનથી ભોપાલમાં ખળભળાટ: કોંગ્રેસે કહ્યું- 'ચૂંટણી જીતવા ખોટા વાયદા કર્યા, હવે 'મોદીની ગેરંટી' ક્યાં ગઈ?'

Kailash Vijayvargiya: મધ્યપ્રદેશના રાજકારણમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) એ જાહેરમાં એવું સત્ય સ્વીકાર્યું છે જેનાથી સરકાર માટે અસહજ સ્થિતિ સર્જાઈ છે. તેમણે ભોપાલમાં એક બેઠક દરમિયાન કહ્યું કે, "યોજનાઓ મજબૂરીમાં જાહેર કરવામાં આવી હતી, હવે તેનો અમલ કરવો મુશ્કેલ છે." આ નિવેદન બાદ વિપક્ષ કોંગ્રેસે સરકાર પર પસ્તાળ પાડી છે અને તેને જનતા સાથેનો વિશ્વાસઘાત ગણાવ્યો છે.
સામાન્ય રીતે રાજકીય નેતાઓ પોતાની સરકારની વાહવાહી કરતા હોય છે, પરંતુ મધ્યપ્રદેશના મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ વાસ્તવિકતા સ્વીકારીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. ભોપાલમાં શહેરી વિકાસને લગતી એક પ્રાદેશિક સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં વિજયવર્ગીયએ અધિકારીઓ અને નેતાઓ સમક્ષ સ્વીકાર્યું કે ઘણી જાહેરાતો માત્ર રાજકીય દબાણ અને મજબૂરીને વશ થઈને કરવામાં આવી હતી, પરંતુ હવે તેને ગ્રાઉન્ડ પર ઉતારવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે.
'કેન્દ્રની મદદ વગર શક્ય નથી'
મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે શહેરીકરણ જેટલી ઝડપથી વધી રહ્યું છે, તેટલી જ ઝડપથી રસ્તા, પાણી, ગટર અને ટ્રાફિક જેવી પાયાની સુવિધાઓની માંગ વધી રહી છે. રાજ્ય સરકાર પાસે મર્યાદિત સંસાધનો છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે માત્ર રાજ્યના બજેટના જોરે તમામ પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરવા મુશ્કેલ છે, આ માટે કેન્દ્ર સરકારના તોતિંગ ભંડોળ અને સહયોગની તાતી જરૂર છે. તેમના આ નિવેદનને નિષ્ણાતો રાજ્યની તિજોરી પરના આર્થિક ભારણ સાથે જોડીને જોઈ રહ્યા છે.
કોંગ્રેસનો આકરો પ્રહાર: 'વચનો જુમલા સાબિત થયા'
કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદન બાદ કોંગ્રેસને સરકાર પર પ્રહાર કરવાની તક મળી ગઈ છે. કોંગ્રેસના પ્રવક્તા અભિનવ બારોલિયા એ સરકારને આડેહાથ લેતા કહ્યું કે, "ભાજપ સત્તા મેળવવા માટે મોટા-મોટા વચનો આપે છે, પણ હવે તે પૂરા કરવામાં નિષ્ફળ રહી છે. મંત્રીનું આ નિવેદન સાબિત કરે છે કે 'મોદીની ગેરંટી' અને ચૂંટણી ઢંઢેરાના વાયદાઓ માત્ર મતો મેળવવાની યુક્તિ હતી." કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સરકાર હવે પોતાની જવાબદારીમાંથી હાથ અધ્ધર કરી રહી છે.
ભાજપનો બચાવ: 'યોજનાઓ ચાલુ જ રહેશે'
વિપક્ષના આક્ષેપો વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરી છે. ભાજપના પ્રવક્તા અજય યાદવે કોંગ્રેસના આરોપોને ફગાવી દેતા કહ્યું હતું કે, "કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે તે બિનજરૂરી રાજકારણ કરી રહી છે. અમારી સરકારમાં કોઈ પણ જનકલ્યાણકારી યોજના બંધ કરવામાં આવી નથી. કેન્દ્ર અને રાજ્યની 'ડબલ એન્જિન' સરકાર સાથે મળીને કામ કરી રહી છે." તેમણે કોંગ્રેસને તેમના શાસનકાળની યાદ અપાવતા કહ્યું કે તેમણે વિકાસમાં સહયોગ આપવો જોઈએ, ટીકા નહીં.





















