ભારતમાં પ્રથમ AI હબ બનાવશે ગૂગલ, 15 અબજ ડોલરનું કરશે રોકાણ, સુંદર પિચાઈએ કરી જાહેરાત
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટું ડેટા સેન્ટર અને AI હબ ચોક્કસ યોજના સાથે બનાવવામાં આવશે.

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ મંગળવારે (14 ઓક્ટોબર) એક મોટી જાહેરાત કરી હતી, જેમાં ભારતમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) હબની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. કંપની આ માટે 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે. પિચાઈએ જણાવ્યું હતું કે તેમણે આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક મોટું ડેટા સેન્ટર અને AI હબ ચોક્કસ યોજના સાથે બનાવવામાં આવશે.
Great to speak with India PM @narendramodi @OfficialINDIAai to share our plans for the first-ever Google AI hub in Visakhapatnam, a landmark development.
— Sundar Pichai (@sundarpichai) October 14, 2025
This hub combines gigawatt-scale compute capacity, a new international subsea gateway, and large-scale energy infrastructure.…
સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર આ અંગે એક પોસ્ટ પણ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે, "ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરવાનો એક અદ્ભુત અનુભવ રહ્યો. અમે વિશાખાપટ્ટનમમાં ગૂગલના પ્રથમ AI હબ બનાવવાની યોજના શેર કરી છે. આ એક ઐતિહાસિક પગલું હશે. આ હબમાં ગીગાવોટ-સ્કેલ કમ્પ્યુટિંગ ક્ષમતા, એક નવો આંતરરાષ્ટ્રીય સબસી ગેટવે અને મોટા પાયે ઉર્જા માળખાગત સુવિધાનો સમાવેશ થશે."
ગૂગલ ભારતમાં 1331.85 બિલિયનનું રોકાણ કરશે
ગૂગલ ભારતમાં 15 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ દેશ માટે એક જેકપોટથી ઓછું કંઈ નથી. તેનાથી ભારતને ઘણો ફાયદો થશે. જો આ 15 બિલિયન ડોલરને ભારતીય ચલણમાં બદલવામાં આવે તો તે 1331.85 બિલિયન થશે.
ગૂગલ ક્લાઉડના સીઈઓએ એઆઈ હબ વિશે શું કહ્યું?
પીટીઆઈના અહેવાલ મુજબ, ગૂગલના એક કાર્યક્રમમાં ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને કહ્યું હતું કે આ નવું એઆઈ હબ એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ડેટા સેન્ટર ક્ષમતા, મોટા પાવર સ્ત્રોતો અને વિસ્તૃત ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કને એકીકૃત કરશે. કુરિયને કહ્યું, "અમે વિશાખાપટ્ટનમમાં એઆઈ સેન્ટર સ્થાપિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં 15 બિલિયન યુએસ ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છીએ."
આ ગૂગલનું પહેલું એઆઈ હબ હશે. તે ભારતીય એઆઈ એન્જિનિયરો માટે પણ તકો પૂરી પાડશે. કાર્યક્રમ દરમિયાન થોમસ કુરિયને જણાવ્યું કે ગૂગલ છેલ્લા 21 વર્ષથી ભારતમાં કામ કરી રહ્યું છે અને 14,000થી વધુ ભારતીયો તેની સાથે સંકળાયેલા છે.




















