૧૫ દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ, ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર
નીતિન ગડકરીએ કરી જાહેરાત, GPS દ્વારા વાહનોમાંથી આપોઆપ કપાશે ટોલ.

GPS toll collection: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ દેશના હાઇવે પર મુસાફરી કરતા લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આગામી ૧૫ દિવસમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત સિસ્ટમ શરૂ કરવામાં આવશે. આ નવી સિસ્ટમથી ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂર નહીં પડે અને GPS દ્વારા આપોઆપ ટોલની રકમ કપાઈ જશે.
સીમલેસ મુસાફરી અને હાઇવે પરની ભીડને ઘટાડવાના ઉદ્દેશ્ય સાથે આ પગલું લેવામાં આવ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ રવિવારે આ માહિતી આપતા કહ્યું હતું કે આગામી ૧૫ દિવસમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ વસૂલાત નીતિ લાગુ કરવામાં આવશે. આ સિસ્ટમમાં અદ્યતન ટ્રેકિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને સેટેલાઇટ ઇમેજિંગના આધારે ટોલ ચાર્જ આપોઆપ વાહન સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે.
ગડકરીએ જણાવ્યું કે આ પગલું સરકારના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા અને વપરાશકર્તાઓના અનુભવને સુધારવાના પ્રયાસોનો એક ભાગ છે. તેમણે વધુમાં કહ્યું કે, "સેટેલાઇટ દ્વારા વાહનોને ટ્રેક કરવામાં આવશે અને વાહન સાથે લિંક કરેલા બેંક ખાતામાંથી સીધો જ ટોલ કાપવામાં આવશે." આ નવી સિસ્ટમથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર લાગતી લાંબી કતારો દૂર થશે, ઇંધણની બચત થશે અને મુસાફરીનો સમય પણ ઘટશે.
A new toll policy will be introduced within 15 days, featuring a satellite-based toll system. Vehicles won't need to stop at plazas, as tolls will be auto-deducted via satellite imaging: Union Transport Minister Nitin Gadkari pic.twitter.com/5DFIxkIZ0r
— IANS (@ians_india) April 14, 2025
આમ, આગામી ૧૫ દિવસમાં શરૂ થનારી આ સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ દેશના હાઇવે પર મુસાફરીને વધુ સરળ અને સુવિધાજનક બનાવશે તેવું માનવામાં આવી રહ્યું છે.
દેશના સૌથી વધુ કમાણીવાળા 14 ટોલ પ્લાઝા, વાર્ષિક 200 કરોડની આવક
દેશભરના 1063 ટોલ પ્લાઝામાંથી 14 ટોલ પ્લાઝા એવા છે જે કમાણીની દ્રષ્ટિએ નંબર વન પર છે. કેન્દ્રીય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ 14 ટોલ પ્લાઝા દ્વારા વાર્ષિક આશરે 200 કરોડ રૂપિયાની આવક થાય છે. નોંધનીય છે કે આ સૌથી વધુ આવક મેળવનારા ટોલ પ્લાઝા દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલા છે. મંત્રાલયે આ ટોલ પ્લાઝાના નામ અને તે કયા રાજ્યમાં આવેલા છે તેની વિગતો જાહેર કરી નથી, પરંતુ તેમની ઊંચી આવક દેશના ટોલ ટેક્સ માળખામાં તેમનું મહત્વ દર્શાવે છે. આ આંકડા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વાહનોની અવરજવર અને ટોલ કલેક્શનની કાર્યક્ષમતાનો ખ્યાલ આપે છે.





















