(Source: ECI/ABP News/ABP Majha)
જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રિમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જાણો શિવલિંગની જગ્યા અને નમાજ મુદ્દે શું કહ્યું..
જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં મહત્વની સુનાવણી કરાઈ હતી.
Supreme Court on Gyanvapi Mosque Survey: જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં મહત્વની સુનાવણી કરાઈ હતી. ત્યાર બાદ અદાલતે આદેશ આપ્યો કે, મસ્જિદમાં સર્વે દરમિયાન જે જગ્યાએ શિવલિંગ મળ્યું હોવાની વાત કરાઈ રહી છે એ જગ્યાની સુરક્ષા કરવી જોઈએ. કોર્ટે આ સંબંધે વારાણસીના જિલ્લા અધિકારીઓને આદેશ આપ્યો છે.
સાથે જ સુપ્રિમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ લોકો કોઈ પણ પ્રકારના અવરોધ વગર મસ્જિદમાં નમાજ અદા કરવા માટે જઈ શકે છે. આ સાથે કોર્ટે અરજીકર્તા હિંદુ શ્રદ્ધાળુઓને નોટીસ આપી હતી. હવે મસ્જિદ કમિટીની અરજી પર સુનાવણ કરવા માટે 19 મેની તારીખ નક્કી કરવામાં આવી છે.
જણાવી દઈએ કે, સોમવારે વારાણસી જિલ્લાની એક અદાલતે જિલ્લા તંત્રને જ્ઞાનવાપી મસ્જિદ પરિસરના એ ભાગને સીલ કરવાનો નિર્દેશ આપ્યો હતો જ્યાં એક શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. સાથે જ કોર્ટે કહ્યું હતું કે, જ્યાં શિવલિંગ મળવાનો દાવો કરાયો છે તે જગ્યા પર લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવે અને મસ્જિદમાં ફક્ત 20 લોકોને નમાજ પઢવાની પરવાનગી અપાય. ત્યારે હવે કોર્ટના આ નિર્ણય પર સુપ્રિમ કોર્ટે રોક લગાવી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, 14 થી 16 મે સુધી જ્ઞાનવાપી મસ્જિદ પરિસરનો સર્વે કરવામાં આવ્યો હતો. આ દરમિયાન શિવલિંગ મળવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ નિચલી અદાલતે નમાજ પઢનારા લોકોની સંખ્યાને સીમિત કરી દીધી હતી. તો, જ્ઞાનવાપી મસ્જિદ મેનેજમેન્ટે નીચલી કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મેનેજમેન્ટે ટ્રાયલ કોર્ટને સુનાવણી અટકાવવાની પણ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે આ અંગે સુનાવણી હાથ ધરી હતી અને નીચલી કોર્ટના ટ્રાયલ પર રોક લગાવી નથી.
આ પણ વાંચોઃ