Hanuman Chalisa Row: સાંસદ નવનીત રાણા સામે પોલીસે કઈ લગાડી કલમ ? શિવસૈનિકો સામે પણ કાર્યવાહી
Hanuman Chalisa Row: ખાર પોલીસે શિવસેનાના 6 કાર્યકરોની ધરપકડ કરી છે. નવનીત રાણા અને તેના પતિ વિરુદ્ધ રાજદ્રોહની કલમ પણ લગાવવામાં આવી છે.
Navneet Rana Hanuman Chalisa Row: મુંબઈમાં હનુમાન ચાલીસા પાઠનો વિવાદ અટકતો જણાતો નથી. સાંસદ નવનીત રાણા અને તેમના પતિની ધરપકડ બાદ હવે શિવસેનાના કાર્યકરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ખાર પોલીસે શિવસેનાના 6 કાર્યકરોની ધરપકડ કરી છે. નવનીત રાણા અને તેના પતિ વિરુદ્ધ રાજદ્રોહની કલમ પણ લગાવવામાં આવી છે.
મુંબઈ પોલીસે અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણા સામે નોંધાયેલી એફઆઈઆરમાં "સરકારી અધિકારીને ફરજ બજાવતા રોકવા માટે ફોજદારી બળનો ઉપયોગ" સંબંધિત કલમ ઉમેરી છે. એટલે કે હવે બંને વિરુદ્ધ કલમ 353 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ
આ કેસમાં ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણાએ શિવસેનાના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે પોલીસે તમામ સામે કાર્યવાહી કરવી જોઈએ. આ ફરિયાદ પર હવે પોલીસે શિવસેનાના કાર્યકરો પર કાર્યવાહી કરી છે. આ લોકોએ સાંસદના ઘરની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું હોવાનો આરોપ છે.
મુંબઈ પોલીસે કહ્યું છે કે આ મામલામાં બાકીના પ્રદર્શનકારીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે. હજુ પણ પોલીસ કેટલાક આરોપીઓને શોધી રહી છે. ટૂંક સમયમાં શિવસેનાના વધુ કેટલાક કાર્યકરોની ધરપકડ થઈ શકે છે.
સાંસદ નવનીત રાણા અને તેના પતિને બાંદ્રા કોર્ટે મોકલ્યા જેલમાં
બાંદ્રા કોર્ટે સાંસદ નવનીત રાણા અને રવિ રાણાને 14 દિવસ માટે જેલમાં મોકલી દીધા છે. કોર્ટે પોલીસ કસ્ટડીની માંગણી ફગાવી દીધી હતી. મુંબઈ પોલીસે આજે સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાને બાંદ્રા હોલીડે કોર્ટમાં રજૂ કર્યા હતા. બંને પર ધાર્મિક ભાવનાઓને ભડકાવવાનો આરોપ છે. શિવસેનાની ફરિયાદ પર તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાણા દંપતી વતી એડવોકેટ રિઝવાન મર્ચન્ટ અને એડવોકેટ વૈભવ કૃષ્ણ કોર્ટમાં હાજર રહ્યા હતા. મેજિસ્ટ્રેટ એએ ધનીવાલેએ બાંદ્રા કોર્ટમાં સમગ્ર મામલાની સુનાવણી કરી હતી. હોલિડે કોર્ટમાં સુનાવણી દરમિયાન રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે ધરપકડ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેને કસ્ટડી આપવામાં ન આવે.
શું છે મામલો
અમરાવતીના સાંસદ નવનીત રાણા અને તેના પતિએ એક જાહેરાત કરી હતી કે તેઓ તેમના સમર્થકો સાથે સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે. જે બાદ 23 એપ્રિલના રોજ સવારે શિવસેના કાર્યકરો ભડક્યાં અને સાંસદના ઘરની આગળ બેસીને પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન સાંસદ નવનીતા રા બહર ન આવી. સાંજે તેણે જણાવ્યું કે, તેનો હેતુ પૂરો થઈ ગયો હોવાથી તે હનુમાન ચાલીસાના પાઠ નહીં કરે. જેના થોડા સમય પછી મુંબઈ પોલીસની એક ટીમ તેના ઘરે પહોંચી અને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ. થોડીવારમાં જ તેની અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી. જેને લઈ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.