'આ વાયરસ નવો નથી, ચિંતા ન કરો', સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું 'લોકડાઉન' તો બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા
દુનિયાભરમાં HMPV વાયરસના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ ચેપના ત્રણ કેસ નોંધાયા છે. વાયરસના સંક્રમણને જોતા સોશિયલ મીડિયા પર #Lockdown ટ્રેન્ડ કરી રહ્યું છે.
HMPV Virus Update: દુનિયાભરમાં HMPV વાયરસના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ ચેપના ત્રણ કેસ નોંધાયા છે. વાયરસના સંક્રમણને જોતા સોશિયલ મીડિયા પર #Lockdown ટ્રેન્ડ કરી રહ્યું છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું છે કે આ વાયરસ નવો વાયરસ નથી અને તેનાથી ચિંતા કરવાની જરૂર નથી.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, "સ્વાસ્થ્ય નિષ્ણાતોએ સ્પષ્ટતા કરી છે કે આ વાયરસ નવો નથી, તેની ઓળખ 2001માં થઈ હતી. તે ખાસ કરીને શિયાળા અને વસંતઋતુના પ્રારંભમાં જોવા મળે છે. ચીન સહિત પડોશી દેશોએ તકેદારી રાખી છે. WHO ટૂંક સમયમાં રિપોર્ટ અમારી સાથે શેર કરશે. ભારતમાં કોઈપણ રેસ્પિરેટરી સમસ્યામાં વૃદ્ધિ નથી જોવા મળી. દેશની આરોગ્ય પ્રણાલી આ તમામ પડકારોનો જવાબ આપવા માટે તૈયાર છે. સ્વાસ્થ્ય વિભાગ તેના પર નજર રાખી રહ્યું છે.
તેમણે કહ્યું, “તાજેતરના અહેવાલોના આધારે, ચીનમાં HMPVના કેસ નોંધાયા છે. આને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલય, ICMR અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ ચીનની સાથે સાથે પડોશી દેશોની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
'ચિંતા કરવાની જરૂર નથી, નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ'
આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું, "ICMR અને ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ સાથે ઉપલબ્ધ રેસ્પિરેટરી પેથોજેન્સ માટેના દેશના ડેટાની પણ સમીક્ષા કરવામાં આવી છે અને ભારતમાં કોઈપણ સામાન્ય શ્વસન વાયરલ પેથોજેન્સમાં કોઈ વધારો જોવા મળ્યો નથી." દેશની આરોગ્ય પ્રણાલી અને સર્વેલન્સ નેટવર્ક સતર્ક રહે તેની ખાતરી કરવા માટે આરોગ્ય સેવાઓના મહાનિર્દેશકની અધ્યક્ષતામાં સંયુક્ત મોનિટરિંગ જૂથની બેઠક યોજાઈ હતી. "દેશ કોઈપણ ઉભરતા સ્વાસ્થ્ય પડકારોનો તરત જ જવાબ આપવા માટે તૈયાર છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અમે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ."
HMPV વાયરસ શું છે ?
એવું કહેવામાં આવી રહ્યું છે કે, HMPV વાયરસ છેલ્લા ઘણા દાયકાઓથી હાજર છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, 2001માં નેધરલેન્ડ્સમાં તેની પ્રથમ ઓળખ થઈ હતી. શ્વસન રોગોવાળા બાળકોના નમૂનાઓમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. HMPV એ પેરામિક્સૉવિરિડે પરિવારનો વાયરસ છે. આ વાયરસ દરેક ઋતુમાં હવામાં હોય છે. તે ચેપગ્રસ્ત લોકોની ઉધરસ અને છીંક દ્વારા ફેલાય છે. શિયાળામાં તેના વધુ ફેલાવાનો ભય રહે છે. જો કે, નિષ્ણાતો કહે છે કે એચએમપીવી વાયરસ 1958 થી વ્યાપકપણે ફેલાયો હતો.