(Source: ECI/ABP News/ABP Majha)
અલાહાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો, કહ્યું - અલગ ધર્મની પુખ્ત વયની વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર
લગ્ન પછી, યુવતીને પોતાના અને તેના પતિ માટે જીવનું જોખમ લાગ્યું. જે બાદ મહિલાએ કોર્ટમાં અરજી કરીને ન્યાયની માગ કરી હતી.
પ્રયાગરાજ: અલાહાબાદ હાઇકોર્ટે જીવન સાથી પસંદ કરવા અંગે મહત્વનો નિર્ણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જો કોઈ પુખ્ત વ્યક્તિ બીજા ધર્મમાં લગ્ન કરવા માંગે છે, તો તે આમ કરવા માટે સ્વતંત્ર છે. ચુકાદો સંભળાવતી વખતે હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ પુખ્ત વ્યક્તિ આવું કરે છે તો માતાપિતાને પણ તેના લગ્ન જીવનમાં દખલ કરવાનો અધિકાર નથી. આ દરમિયાન હાઈકોર્ટે એમ પણ કહ્યું કે જો તેમને કોઈ ખતરો લાગે તો પોલીસ સુરક્ષાની માંગ કરો, પોલીસે સુરક્ષા પૂરી પાડવી પડશે.
પરિવારજનો લગ્નની વિરુદ્ધ છે
શિફા હસન અને અન્યની અરજી પર જસ્ટિસ એમ કે ગુપ્તા અને જસ્ટિસ દીપક વર્માની ડિવિઝન બેન્ચે આ આદેશ આપ્યો છે. ગોરખપુરના અરજદાર શિફા હસને એક હિન્દુ છોકરા સાથે લગ્ન કર્યા હિન્દુ ધર્મ સ્વીકારવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પરવાનગી માંગી હતી.
મહિલાની માંગ બાદ જિલ્લા મેજિસ્ટ્રેટે પોલીસ સ્ટેશનમાંથી આ સંદર્ભે રિપોર્ટ માંગ્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ પર પોલીસે જણાવ્યું કે યુવકના પિતા લગ્ન સાથે સંમત નથી, જ્યારે યુવતીના પરિવારના સભ્યો પણ આ લગ્નના વિરોધમાં છે.
મહિલા ન્યાય માટે કોર્ટનો દરવાજો ખખડાવ્યો
લગ્ન પછી, યુવતીને પોતાના અને તેના પતિ માટે જીવનું જોખમ લાગ્યું. જે બાદ મહિલાએ કોર્ટમાં અરજી કરીને ન્યાયની માગ કરી હતી. મહિલાની અરજી બાદ હાઈકોર્ટે કહ્યું કે આ લગ્નમાં કોઈ વ્યક્તિએ દખલ ન કરવી જોઈએ.
બંને માટે સુરક્ષા
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે એમ પણ કહ્યું કે બંનેને પોલીસ દ્વારા સુરક્ષા આપવી જોઈએ. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે કોઈપણ પુખ્ત વ્યક્તિને પોતાની રીતે જીવન જીવવાનો અધિકાર છે. આવી સ્થિતિમાં કોઈએ દખલ ન કરવી જોઈએ.