કાળઝાળ ગરમી વચ્ચે અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ, વીજળી પડવાથી 31ના મોત, જાણો હવામાન અપડેટ
Rain Alert: ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાન પલટાયું, એમપી-રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ, ઘણા રાજ્યોમાં વરસાદ અને કરાની શક્યતા.

IMD Weather alert: દેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં તીવ્ર ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. બુધવાર સાંજથી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ (IMD)એ ગુરુવારે ૨૦થી વધુ રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની આગાહી કરી છે, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી ૩૧ લોકોના દુઃખદ મોત થયા છે.
ઉત્તર પ્રદેશમાં લખનૌ અને કાનપુર સહિત ૨૫ જિલ્લાઓમાં વરસાદ ચાલુ છે. અહીં વીજળી પડવાના કારણે ૬ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં ફતેહપુરના બે બાળકો, ફિરોઝાબાદની એક મહિલા અને સીતાપુરના એક ખેડૂતનો સમાવેશ થાય છે. બીજી તરફ, બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં વીજળી પડવાથી ૨૫ લોકોના મોત થયાના સમાચાર છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આજે હીટવેવની શક્યતા છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના ૧૬ જિલ્લાઓમાં વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં પણ ગરમીની લહેર વચ્ચે બુધવારે કરા પડ્યા હતા અને હળવો વરસાદ થયો હતો. હવામાન વિભાગે ઉજ્જૈન-ગ્વાલિયર ડિવિઝનમાં હીટ વેવનું એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે રાજ્યના ૧૭ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
આગામી બે દિવસમાં ઉત્તર-પશ્ચિમ રાજ્યોના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં વરસાદ અને કરા પડવાની શક્યતા છે. આ ઉપરાંત, કેરળ, તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં પણ આગામી બે દિવસ સુધી ઘણી જગ્યાએ વરસાદ પડશે.
બીજી તરફ, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી શકે છે. જો કે, ઉત્તર પશ્ચિમ ભારત, ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ ત્યારબાદ ચાર દિવસ સુધી તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
મધ્યપ્રદેશમાં હીટવેવ અને તીવ્ર ગરમી વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને તોફાન જોવા મળ્યા હતા, તો કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. બુધવારે છિંદવાડા-પાંધુર્નામાં ભારે વરસાદ અને કરા પડ્યા હતા, જેના કારણે કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ગુરુવારે પણ રાજ્યમાં આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે.
ગઈકાલે સાંજે રાજસ્થાનના ઘણા શહેરોમાં તીવ્ર ગરમી અને હીટવેવથી રાહત મળી હતી. બીકાનેર, જયપુર અને ભરતપુર ડિવિઝનના જિલ્લાઓમાં સાંજે ઘણી જગ્યાએ ધૂળની ડમરીઓ અને વરસાદ થયો હતો, જેના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજસ્થાનમાં આજે અને આવતીકાલે પણ જોવા મળશે. આજે રાજ્યના પાંચ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડા માટે ઓરેન્જ એલર્ટ અને ૧૧ જિલ્લામાં વરસાદ અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર અને ગોરખપુર સહિત ૨૫ શહેરોમાં ભારે વરસાદ નોંધાયો છે. બહરાઈચ, લખીમપુર ખેરી અને પીલીભીતમાં કરા પડ્યા હતા, જેના કારણે હજારો હેક્ટરનો પાક નષ્ટ થયો છે. વીજળી પડવાથી અહીં છ લોકોના મોત થયા છે. લખનૌમાં સવારે ૮ વાગ્યે અંધારું છવાઈ ગયું હતું અને ત્રણ કલાક સુધી ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા અને વીજ થાંભલા તેમજ વૃક્ષો ધરાશાયી થયા હતા.
બિહારમાં પટના સહિત ૧૧ જિલ્લાઓમાં ભારે તોફાન અને વરસાદ સતત થઈ રહ્યો છે. છેલ્લા ૪૮ કલાકમાં રાજ્યમાં ૫૬ લોકોના મોત થયા છે, જેમાંથી વીજળી પડવાથી અત્યાર સુધીમાં ૩૮ લોકોએ જીવ ગુમાવ્યા છે. એકલા નાલંદા જિલ્લામાં જ વૃક્ષો અને દિવાલો નીચે દટાઈ જવાથી ૧૮ લોકોના મોત થયા છે.
હરિયાણામાં પણ હવામાનમાં પલટો આવ્યો છે. બુધવારે સાંજે નારનૌલ વિસ્તારમાં જોરદાર તોફાન આવ્યું હતું અને આ પહેલાં પણ અનેક ગામોમાં કરા પડ્યા હતા. વાવાઝોડાની અસર મહેન્દ્રગઢ, ઝજ્જર અને આસપાસના જિલ્લાઓમાં જોવા મળી હતી. હવામાન વિભાગે રાત્રિ દરમિયાન બે વખત વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી જારી કરી હતી.
પંજાબમાં આકરી ગરમી પડી રહી છે અને રાજ્યનું સરેરાશ મહત્તમ તાપમાન ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભટિંડા રાજ્યનો સૌથી ગરમ વિસ્તાર છે. રાજ્યના સરેરાશ મહત્તમ તાપમાનમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦.૭ ડિગ્રીનો વધારો થયો છે.
હિમાચલ પ્રદેશમાં એપ્રિલના બીજા સપ્તાહમાં મે મહિના જેવી ગરમી અનુભવાઈ રહી છે અને ઘણા શહેરોના તાપમાનમાં સામાન્ય કરતાં ૭ ડિગ્રીનો વધારો થયો છે. જો કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હવે ગરમીમાંથી રાહત મળી શકે છે, કારણ કે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે આજે અને આવતીકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.





















