હોળીમાં વરસાદનો ખતરો!: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહીથી રંગમાં ભંગ પડશે!
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, IMD દ્વારા હોળીના દિવસે વરસાદ અને પર્વતો પર બરફવર્ષાની સંભાવના વ્યક્ત.

IMD weather update: ઉત્તર ભારતના હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે, જેના કારણે હોળીના તહેવાર પહેલાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી અનુસાર, દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો, પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડકનો અનુભવ થશે.
દિલ્હી-NCRમાં વરસાદની આગાહી
IMDના જણાવ્યા અનુસાર, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો જેવા કે ગુરુગ્રામ, માનેસર, બલ્લભગઢ, સોહના, અલીગઢ વગેરેમાં હળવો વરસાદ અથવા ઝરમર વરસાદ થઈ શકે છે. હાલમાં રાજધાની દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ છે અને હવામાન ખુશનુમા બની ગયું છે. આગાહી અનુસાર, 16 માર્ચ સુધી વચ્ચે વચ્ચે હળવો વરસાદ થવાની શક્યતા છે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.
મેદાનોમાં વરસાદ અને પર્વતો પર હિમવર્ષાની સંભાવના
સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ભારતના અનેક ભાગોમાં આગામી થોડા દિવસો સુધી હવામાનમાં પલટો યથાવત રહેશે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. જ્યારે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
હવામાનમાં પલટાનું કારણ
હવામાનશાસ્ત્રીઓના મતે, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક સર્જાયેલું પ્રેરિત ચક્રવાત પરિભ્રમણ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ હવામાનમાં ફેરફાર માટે જવાબદાર છે. આ સિસ્ટમ ઉત્તર ભારતના હવામાનને અસર કરી રહી છે, જેના કારણે આગામી 2-3 દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના છે.
હોળી પર કેવું રહેશે હવામાન?
IMDની આગાહી મુજબ, 14 માર્ચ એટલે કે હોળીના દિવસે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં વાદળોની આવનજાવન સાથે વરસાદ પડી શકે છે. 14 માર્ચે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જો કે આ વરસાદ ભારે નહીં હોય, પરંતુ કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ થઇ શકે છે. દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. એકંદરે કહી શકાય કે હોળીના દિવસે ઉત્તર ભારતમાં હવામાન રંગમાં ભંગ પાડી શકે છે. 15 માર્ચે પણ હળવા વરસાદ સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
પંજાબ, હરિયાણામાં કરા પડવાની શક્યતા
સ્કાયમેટ વેધરના જણાવ્યા અનુસાર, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે, જેના કારણે પાકને નુકસાન થવાની સંભાવના છે. ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
16 માર્ચ પછી તાપમાનમાં ફરી વધારો થશે
IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 15 માર્ચ સુધી ચાલુ રહેશે, જેના કારણે તાપમાનમાં ઘટાડો યથાવત રહેશે. જો કે, 16 માર્ચ પછી હવામાન સ્વચ્છ થતાં જ તાપમાન ફરીથી વધવા લાગશે અને ગરમીનો અનુભવ થવાની શરૂઆત થશે.





















