(Source: ECI/ABP News/ABP Majha)
'iPhone લઇ શકે છે તો પત્નીને ભરણપોષણના રૂપિયા પણ આપ....', કોર્ટે પતિને આપ્યો આદેશ
Court: રાજસ્થાનના જયપુરમાં એક વ્યક્તિને આઈફોન રાખવો ભારે પડ્યો હતો
Court: રાજસ્થાનના જયપુરમાં એક વ્યક્તિને આઈફોન રાખવો ભારે પડ્યો હતો. તેની પત્નીએ કોર્ટમાં ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો હતો. જેમાં પતિએ કોર્ટમાં જણાવ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. આ કારણે તે તેની પત્નીને ભરણપોષણ માટે પૈસા આપી શકતો નથી. પરંતુ, આ દરમિયાન એવી વાત સામે આવી કે, કોર્ટે પત્નીને દર મહિને 22 હજાર 500 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો.
વાસ્તવમાં આ કેસ જયપુરનો છે. અહીં એક મહિલાના લગ્ન 2020માં દિલ્હીના યુવક સાથે થયા હતા. જોકે, બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ કારણે પત્ની 2021થી પતિથી અલગ રહેવા લાગી હતી. આ પછી તેણે ફેમિલી કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરી હતી. આ અંગે સુનાવણી કરતી વખતે જયપુર ફેમિલી કોર્ટ-4એ પતિને પત્નીના ભરણપોષણ માટે પૈસા આપવા કહ્યું હતું.
‘નર્સિંગ ઓફિસર પતિની સેલેરી 89 હજાર રૂપિયા’
યુવકે કોર્ટમાં જણાવ્યું હતું કે તેની આર્થિક સ્થિતિ સારી નથી. તેણે આઇફોન અને 15 લાખ રૂપિયા લોન પર લીધા છે. આ પછી કોર્ટે તેમના બેંક ખાતાની વિગતો માંગી હતી. જોકે, તેણે કોર્ટમાં બેંક ખાતાની કોઈ વિગતો આપી ન હતી અને ઓછી આવક પણ જણાવી હતી. જ્યારે યુવક દિલ્હીમાં નર્સિંગ ઓફિસરની પોસ્ટ પર છે. તેનો મહિને પગાર લગભગ 89 હજાર રૂપિયા છે. આમ છતાં ભરણપોષણની રકમ પત્નીને આપવામાં તે આનાકાની કરતો હતો.
જજે ઠપકો આપ્યો
આ કેસમાં ફેમિલી કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને મહિલાના વકીલ ડી.એસ. શેખાવતે જણાવ્યું કે જજ પવન ગર્ગે પતિની લોન પર આઇફોન લેવાના મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઠપકો આપતા કહ્યું કે જો તમે તમારું સ્ટેટ્સ મેઇન્ટેન કરવા માટે આઈફોન લઈ શકો છો તો પત્નીને પણ ભરણપોષણની રકમ આપવી જોઈએ. આ પછી જજે પતિને 22 સપ્ટેમ્બરથી ભરણપોષણ તરીકે દર મહિને 22 હજાર 500 રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.