Independence Day 2024: 1947માં ભાગલા સમયે અંગ્રેજો ભારત માથે છોડી ગયા હતા 5 અરબ ડોલરનું કરી દેવું, જાણો કોણે ચુકવ્યું?
India Partition: 1947માં જ્યારે ભારતનું વિભાજન થયું ત્યારે અંગ્રેજો પર 5 બિલિયન ડૉલરનું જંગી દેવું હતું. આ લોનને લઈને ઘણી લડાઈ થઈ હતી. જાણો આખરે કોણે ચૂકવ્યું.
India Partition: ભારતની આઝાદીના લગભગ અઢી મહિના પહેલા એ નક્કી થઈ ગયું હતું કે, દેશના બે ભાગમાં વિભાજન થવા જઈ રહ્યું છે. વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને 3 જૂન 1947ના રોજ ઓલ ઈન્ડિયા રેડિયો પર વિભાજનની જાહેરાત કરી. જ્યારે નક્કી થયું કે, ભારતનું વિભાજન થશે અને પાકિસ્તાનના નામથી નવો દેશ બનશે, ત્યારે ભાગલાની શરતો અને દસ્તાવેજો તૈયાર કરવાની જવાબદારી બે લોકોને મળી. બંને એક જ સરકારી બંગલામાં રહેતા હતા, એક જ ગાડીમાં ઓફિસ આવતા હતા, એક સરખો પગાર હતો અને તેમની ઓફિસો માત્ર થોડા જ ડગલાં દૂર હતી.
એક વ્યક્તિ હિંદુ અને બીજી મુસ્લિમ હતી. ભારત તરફથી વિભાજનના કાગળો તૈયાર કરવાની જવાબદારી મેળવનારનું નામ એચએમ પટેલ હતું અને પાકિસ્તાન તરફથી આ જવાબદારી ચૌધરી મોહમ્મદ અલીને આપવામાં આવી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપત્તિનું કેવી રીતે વિભાજન થયું?
ઈતિહાસકારો ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સ તેમના પુસ્તક “ફ્રીડમ એટ મિડનાઈટ”માં લખે છે કે ભાગલા દરમિયાન મોટાભાગની તકરાર પૈસાને લઈને થઈ હતી. લડાઈ એ હતી કે, અંગ્રેજોએ લીધેલી 5 બિલિયન ડૉલરની જંગી લોનનું શું થશે? તેને કોણ ચૂકવશે? આ ઉપરાંત રિઝર્વ બેંક અને તમામ સરકારી બેંકોમાં રાખવામાં આવેલી રોકડ અને આરબીઆઈના ભોંયરામાં રાખવામાં આવેલી સોનાની ઈંટો પણ બંને દેશ વચ્ચે વહેંચવાની હતી. ઘણા દિવસોની વાટાઘાટો પછી જ્યારે કોઈ પરિણામ ન આવ્યું ત્યારે એચએમ પટેલ અને મોહમ્મદ અલીને સરદાર પટેલના ઘરના એક રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા.
બ્રિટિશ લોનનું શું થયું?
તેઓને કહેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી તેઓ કોઈ નિષ્કર્ષ પર ન પહોંચે ત્યાં સુધી તેઓ તે રૂમમાં બંધ રહેશે. આખરે ઘણા દિવસોની સોદાબાજી પછી બંનેએ બહાર નીકળવાનો રસ્તો શોધી કાઢ્યો. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે બેંકોમાં જમા કરાયેલી રોકડના 17.5% પાકિસ્તાનને મળશે અને પાકિસ્તાન ભારતના દેવાના 17.5% ચૂકવશે. આ ઉપરાંત એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતની 80% જંગમ મિલકત ભારત જશે અને 20% પાકિસ્તાને જશે.
કમોડની પણ થઇ હતી વહેંચણી
લેપિયર અને કોલિન્સ લખે છે કે, વિભાજન દરમિયાન એવી નાની વસ્તુઓની એવી વહેંચણી કરવામાં આવી હતી. જેની કલ્પના પણ કરી શકાતી નથી. જેમ કે ટેબલ, ખુરશીઓ, ટોપી પેગ, બુકકેસ, ટેબલ લેમ્પ, પંખા, ટાઈપરાઈટર, પેન અને કમોડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રેલ્વે લાઇન અને કોચની વહેંચણી કઇ રીતે થઇ ?
લેપિયર અને કોલિન્સ લખે છે કે, વિભાજન દરમિયાન વધુ બે બાબતો પર ઝઘડો થયો હતો. પહેલું- દરિયામાં માર્યા ગયેલા ખલાસીઓની વિધવાઓને પેન્શન કોણ આપશે? શું પાકિસ્તાન તમામ મુસ્લિમ વિધવાઓને પેન્શન માટે જવાબદાર હશે, પછી ભલે તે ભારતમાં હોય કે પાકિસ્તાનમાં? તો પછી પાકિસ્તાનમાં રહેતી હિન્દુ વિધવાઓને પેન્શન કોણ આપશે? બીજો વિવાદ રેલ્વે લાઇનને લઇને હતો. ભારતની 26,421 માઇલ લાંબી રેલ્વે લાઇનને કેવી રીતે વિભાજિત કરવી તે અંગે કોઈ સર્વસંમતિ ન હતી.
આખરે નક્કી થયું કે પાકિસ્તાનને 7112 માઈલની રેલવે લાઈન મળશે. આ સિવાય ટ્રેન અને ગુડ્સ ટ્રેનના કોચને 80 અને 20ના રેશિયોમાં વહેંચવામાં આવ્યા હતા