કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
ભારતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુઆંક છુપાવવામાં આવ્યો, ૨૦૨૧માં નોંધાયેલા ૩.૩૨ લાખ સામે વાસ્તવિક મૃત્યુઆંક ૧૯.૭૩ લાખથી વધુ, ગુજરાત મૃત્યુઆંક છુપાવવામાં સૌથી આગળ, વાસ્તવિક મૃત્યુ ૩૩.૬ ગણા વધુ.

India COVID death toll 2025: ભારતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુઆંક સંબંધિત ડેટાને લઈને એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે દેશના તમામ રાજ્યોમાં કોરોના મહામારી સંબંધિત મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો હતો, અને વાસ્તવિક મૃત્યુ સંખ્યા સરકારી આંકડાઓ કરતા અનેક ગણી વધારે હતી. આ રિપોર્ટ દર્શાવે છે કે કોવિડથી થયેલા મૃત્યુ અંગે દેશના કેટલાક રાજ્યોમાં સૌથી વધુ જુઠ્ઠાણું બોલાયું હતું, જેમાં એક રાજ્ય સૌથી આગળ છે.
ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર, જે ૨૦૨૧ માં આવી હતી, તે દરમિયાન સરકારી ચોપડે નોંધાયેલો મૃત્યુઆંક વાસ્તવિકતાથી ઘણો દૂર હતો. ૨૦૨૧ માં, દેશભરમાં કોરોના દરમિયાન અધિકૃત મૃત્યુઆંક ૩,૩૨,૪૬૮ હતો. જોકે, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ ચોંકાવનારા છે. CRS રિપોર્ટ અનુસાર, ૨૦૨૧ માં દેશભરમાં કુલ ૧૯,૭૩,૯૪૭ મૃત્યુ થયા હતા, જે અધિકૃત આંકડાઓ કરતા લગભગ ૬ ગણા વધુ છે. આ રિપોર્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોરોના મહામારી દરમિયાન દેશના દરેક રાજ્યમાં મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો હતો.
મૃત્યુઆંક છુપાવવામાં ગુજરાત સૌથી આગળ
CRS દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, ૨૦૨૧ માં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવામાં ગુજરાત રાજ્ય મોખરે હતું. ગુજરાતે આ વર્ષે રાજ્યમાં આશરે ૬ હજાર મૃત્યુનો આંકડો રજૂ કર્યો હતો, પરંતુ વાસ્તવમાં તેના કરતા ૩૩.૬ ગણા વધુ મૃત્યુ નોંધાયા હતા. ગુજરાત સરકારે અધિકૃત રીતે ૨૦૨૧માં ૫૮૦૯ મૃત્યુ નોંધાયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે જે CRS અહેવાલ બહાર આવ્યો છે તે મુજબ, ૨૦૨૧માં ગુજરાતમાં કુલ ૧,૯૫,૪૦૬ મૃત્યુ થયા હતા.
અન્ય રાજ્યોમાં પણ ડેટા છુપાવવામાં આવ્યો:
કોવિડ દરમિયાન મૃત્યુઆંક છુપાવવામાં માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય ઘણા રાજ્યો પણ સામેલ હતા. CRS ડેટા મુજબ, ગુજરાત પછી, મધ્યપ્રદેશ આ બાબતમાં બીજા ક્રમે રહ્યું. ૨૦૨૧ માં મધ્યપ્રદેશમાં અધિકૃત મૃત્યુઆંક ૬૯૨૭ હતો, જ્યારે વાસ્તવિકતામાં અહીં ૧,૨૬,૭૭૪ મૃત્યુ થયા હતા.
તેવી જ રીતે, પશ્ચિમ બંગાળમાં અધિકૃત મૃત્યુઆંક ૧૦,૦૫૨ હતો, જ્યારે અહીં ૧,૫૨,૦૯૪ મૃત્યુ નોંધાયા હતા. બિહારમાં પણ અધિકૃત રીતે ૧૦,૬૯૯ લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં અહીં ૧,૩૫,૩૯૧ લોકોના મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં અધિકૃત રીતે ૧૪,૫૬૩ મૃત્યુ નોંધાયા હતા, પરંતુ CRS રિપોર્ટ મુજબ અહીં ૧,૦૩,૧૦૮ મૃત્યુ થયા હતા.




















