શેખ હસીનાને પાછા બાંગ્લાદેશ મોકલશે ભારત? વિદેશ મંત્રાલયે કરી દીધું સ્પષ્ટ
ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે બાંગ્લાદેશમાં થયેલી અશાંતિને કારણે ત્યાં ઘણી પરિયોજનાઓનું કામ અટકી ગયું છે. બાંગ્લાદેશમાં ઘણા વિપક્ષી પક્ષોએ ત્યાંની સરકાર પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી છે.
India On Sheikh Hasina Extradition: ભારતે શુક્રવારે (30 ઓગસ્ટ 2024) પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશ તરફથી કોઈપણ સંભવિત માગણીના મુદ્દા પર વિસ્તૃત રીતે બોલવાનો ઇનકાર કર્યો. જોકે ભારતે સ્વીકાર્યું કે પડોશી દેશમાં અશાંતિને કારણે વિકાસ પરિયોજનાઓ પર કામ અટકી ગયું છે.
'સુરક્ષા કારણોસર ભારત આવ્યા શેખ હસીના'
હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ બાંગ્લાદેશની અંતરિમ સરકાર દ્વારા શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણીની સંભાવનાઓ વિશે પૂછવામાં આવતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે આ એવો મામલો છે જે કાલ્પનિક મુદ્દાઓ પર આધારિત છે. તેમણે કહ્યું કે અમે આ પહેલા પણ કહી ચૂક્યા છીએ કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન સુરક્ષા કારણોસર ખૂબ ઓછા સમયમાં ભારત આવ્યા હતા.
શેખ હસીનાએ તેમની સરકાર વિરુદ્ધ વિદ્યાર્થીઓના નેતૃત્વમાં અનેક અઠવાડિયા સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન બાદ 5 ઓગસ્ટ 2024ના રોજ પદ છોડી દીધું અને ભારત આવી ગયા હતા. હાલમાં તેઓ એક સુરક્ષિત સ્થળે છે, જોકે ભારતીય અધિકારીઓએ તેમના ઠેકાણા વિશે કોઈ માહિતી આપી નથી. બાંગ્લાદેશમાં ઘણા વિપક્ષી પક્ષોએ મુહમ્મદ યુનુસના નેતૃત્વ વાળી અંતરિમ સરકાર પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી છે.
ઘણી પરિયોજનાઓ થઈ પ્રભાવિત
રણધીર જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં અશાંતિને કારણે દ્વિપક્ષીય પરિયોજનાઓ પ્રભાવિત થઈ છે. તેમણે કહ્યું, "બાંગ્લાદેશમાં એકવાર સ્થિતિ સ્થિર થઈ જશે અને સામાન્ય સ્થિતિ બહાલ થતાં જ અમે ત્યાંની અંતરિમ સરકાર સાથે વાતચીત કરીશું અને જોઈશું કે કેવી રીતે તે પરિયોજનાઓ પર આગળ કામ કરી શકાય છે."
તખ્તાપલટ બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન રહેલા શેખ હસીના ભાગીને ભારત તો આવી ગયા, પરંતુ હવે અહીંથી તેમનું ક્યાંય અન્યત્ર જવું ખૂબ જ મુશ્કેલ છે. શેખ હસીના પર નવી અંતરિમ સરકારે હત્યા, નરસંહાર અને અપહરણના કુલ 30થી પણ વધુ કેસ દાખલ કર્યા છે. આમાં 26 કેસ હત્યાના, 4 નરસંહારના અને એક અપહરણનો કેસ છે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં આરોગ્ય મંત્રાલયના વડા નૂરજહાં બેગમે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનમાં 1,000 થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 400થી વધુ લોકોએ આંખોની રોશની ગુમાવી હતી. ઘણાએ એક અથવા બંને આંખોની દ્રષ્ટિ ગુમાવી દીધી છે. બાંગ્લાદેશમાં 16 જુલાઈ 2024ના રોજ સરકાર વિરોધી દેખાવો શરૂ થયા. 1971 પછી શરૂ થયેલો દેશનો આ સૌથી મોટો સરકાર વિરોધી વિરોધ હતો.
આ પણ વાંચોઃ
ચિરાગ પાસવાનનો ભાજપથી મોહભંગ! LJP રામવિલાસના 3 સાંસદ BJP માં જશે? 5 પોઈન્ટમાં જાણો કેમ ઉઠ્યા સવાલો