અમિત શાહે લોકડાઉન લાદવાનો નિર્ણય કોના પર છોડ્યો ? જાણો શું કરી મોટી જાહેરાત ?
અમિત શાહના કહેવા પ્રમાણે 3 મહિનાથી તેમણે પ્રતિબંધો મુકવાનો અધિકાર રાજ્યોને આપી દીધો છે.
નવી દિલ્હીઃ કોરોનાના કારણે દેશની સ્થિતિ (Coronavirus Cases India) વધારેને વધારે કથળી રહી છે અને અનેક રાજ્યોએ પોતાના ત્યાં મિનિ લોકડાઉન (Lockdown) કે નાઈટ કર્ફ્યુ (Night Curfew) જેવા પ્રતિબંધો લાગુ કર્યા છે. પરંતુ જે પ્રકારની સ્થિતિ નિર્માણ પામી રહી છે તે જોતા ફરી એક વખત નેશનલ લોકડાઉનનું જોખમ વર્તાઈ રહ્યું છે. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)જણાવ્યું કે, પ્રતિબંધો અંગે નિર્ણયો લેવાની છૂટ કેન્દ્રએ હવે રાજ્યોના હાથમાં આપી દીધી છે, રાજ્ય સરકારો જ પોતાની રીતે નિર્ણય લઈ રહી છે.
અમિત શાહના કહેવા પ્રમાણે 3 મહિનાથી તેમણે પ્રતિબંધો મુકવાનો અધિકાર રાજ્યોને આપી દીધો છે કારણ કે, દરેક રાજ્યની સ્થિતિ એક સરખી નથી. આ સંજોગોમાં રાજ્ય સરકારોએ પોતાની પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવાનો રહેશે. અમિત શાહે જણાવ્યું કે, જ્યારે પહેલી વખત લોકડાઉન લાગ્યુ ત્યારે દેશમાં હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ નબળું હતું. પહેલા બેડ્સ, ટેસ્ટિંગ, ઓક્સિજન સહિત અનેક પ્રકારની સગવડો નહોતી. જો કે, હવે કેન્દ્ર અને રાજ્યોની મદદથી ઘણી તૈયારીઓ થઈ ગઈ છે. કોરોના સામે લડવા માટે દરેક રાજ્યોએ પોતાની સ્થિતિ પ્રમાણે જાતે જ નિર્ણયો લેવા પડશે અને કેન્દ્ર સરકાર તેમની પૂરી મદદ કરશે.
સતત પાંચમા દિવસે બે લાખથી વધુ કેસ
દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત પાંચમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 19 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,73,180 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1619 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,44,178 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 50 લાખ 61 હજાર 919
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 29 લાખ 53 હજાર 821
- કુલ એક્ટિવ કેસ - 19 લાખ 29 હજાર 329
- કુલ મોત - 1 લાખ 78 હજાર 769
12 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 38 લાખ 52 હજાર 566 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.
દેશમાં છેલ્લા 5 દિવસમાં નોંધાયેલા કેસ
18 એપ્રિલઃ 2,61,500
17 એપ્રિલઃ 2,34,692
16 એપ્રિલઃ 2,17,353
15 એપ્રિલઃ 2,00,739
14 એપ્રિલઃ 1,84,372