ઈરાની નૌકાદળે બે ભારતીય ક્રૂડ ઓઈલ ટેન્કર પર ફાયરિંગ કર્યું, જે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા હતા. આ હુમલા પાછળ ઈરાન દ્વારા જહાજો પર ટોલ લગાવવાની યોજના હોવાનું માનવામાં આવે છે, જે ભારતે નકારી કાઢી છે.
હવે ઈરાને પરિણામ ભોગવવું પડશે! હોર્મુઝ સ્ટ્રેટ પર એવું તે શું થયું કે ભારત ભડક્યું, આપી દીધી વોર્નિંગ
હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા બે ભારતીય ઓઈલ ટેન્કર પર ઈરાની નૌકાદળે અચાનક ગોળીબાર કરતા ભારતે કડક વિરોધ નોંધાવ્યો છે. ભારતે ટોલ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યું છે.

- ઈરાની નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ક્રૂડ ઓઈલ ટેન્કરો પર ગોળીબાર કર્યો.
- ભારતે ઈરાનને આ કાર્યવાહીના ગંભીર પરિણામો ભોગવવા ચેતવણી આપી.
- જહાજો પર ટોલ લગાવવાની ઈરાનની યોજના આ વિવાદનું મૂળ હોઈ શકે.
- ભારતે આંતરરાષ્ટ્રીય જળમાર્ગોની સુરક્ષા અને મુક્ત અવરજવર પર ભાર મૂક્યો.
India-Iran Relations: ભારત અને ઈરાન વચ્ચે અત્યારે એક મોટો વિવાદ ઊભો થયો છે. વિશ્વના સૌથી મહત્વના તેલ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહેલા બે ભારતીય ક્રૂડ ઓઈલ ટેન્કર પર ઈરાની નૌકાદળે અચાનક ફાયરિંગ કરતા ભારતે લાલ આંખ કરી છે. આ હુમલામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભારતે આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લેતા ઈરાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે આના ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ સમગ્ર વિવાદ પાછળ ઈરાન દ્વારા જહાજો પર ટોલ લગાવવાની યોજના જવાબદાર હોવાનું માનવામાં આવે છે, જેને ભારતે સીધેસીધો નકારી કાઢ્યો છે. નારાજ ભારતે નવી દિલ્હીમાં ઈરાની રાજદૂતને બોલાવીને પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે.
તમને જણાવી દઈએ કે, લાખો બેરલ ક્રૂડ ઓઈલ ભરીને ભારત આવી રહેલા બે જહાજો 'જગ અર્નવ' (Jag Arnav) અને 'સન્માર હેરાલ્ડ' (Sanmar Herald) પર ઓમાનની ઉત્તરે ઈરાનની નૌકાદળે (IRGC) ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક જહાજના કેબિનના કાચ તૂટી ગયા હતા, જેના લીધે આ બંને જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ પાછા ફરવાની ફરજ પડી હતી. મરીન ટ્રાફિકના ડેટા મુજબ, 'જગ અર્નવ' સાઉદી અરેબિયાના અલ જુબેલથી અને 'સન્માર હેરાલ્ડ' ઈરાકથી ભારત આવી રહ્યું હતું. સૂત્રોનું માનીએ તો, IRGC હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તમામ જહાજો પાસેથી ટોલ વસૂલવાની યોજના બનાવી રહ્યું છે, પરંતુ ભારતે આ માટે સ્પષ્ટ ના પાડી દીધી હોવાથી આ હુમલો કરવામાં આવ્યો હોવાની શક્યતા છે.
આ ઘટના પછી ભારતના વિદેશ મંત્રાલયે આકરી પ્રતિક્રિયા આપતા આ કાર્યવાહીને બિલકુલ અસ્વીકાર્ય ગણાવી છે. હોર્મુઝ સ્ટ્રેટ એ ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ છે. દુનિયાના લગભગ 20 ટકા ક્રૂડ ઓઈલનો વેપાર આ જ રસ્તેથી થાય છે. ભારત પોતાની મોટાભાગની ઉર્જા જરૂરિયાતો માટે ગલ્ફ દેશો પર નિર્ભર હોવાથી આ માર્ગ ખૂબ જ અગત્યનો છે. તેથી ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર નેવિગેશન સંપૂર્ણપણે મુક્ત અને સુરક્ષિત હોવું જ જોઈએ.
આ તણાવ એવા સમયે વધ્યો છે જ્યારે કોચી બંદર પર ઈરાનનું એક યુદ્ધ જહાજ 'IRIS Lavan' પહેલેથી જ લાંગરેલું છે. આ જહાજના 183 ક્રૂ સભ્યોમાંથી લગભગ 120 લોકોને તેમના દેશ પરત મોકલી દેવાયા છે. નોંધનીય છે કે, અગાઉ 4 માર્ચે શ્રીલંકા પાસે અમેરિકાની એક સબમરીને ઈરાનના જહાજ 'IRIS Dena' ને ડૂબાડી દીધું હતું. ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઈરાને અગાઉ ભારતને "મિત્ર દેશ" ગણાવીને તેના જહાજોને પસાર થવા દેવાની ખાતરી આપી હતી. પરંતુ, અમેરિકાની મધ્યસ્થીથી થયેલા 10 દિવસના યુદ્ધવિરામ અને સ્ટ્રેટ ફરી ખોલવાની જાહેરાત બાદ તરત જ ભારતીય જહાજો પર થયેલા આ ફાયરિંગે ભારતની ચિંતા અને ગુસ્સો બંને વધારી દીધા છે.
Frequently Asked Questions
ભારતીય ક્રૂડ ઓઈલ ટેન્કર પર શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું?
આ ફાયરિંગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ?
સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, એક જહાજના કાચ તૂટી ગયા હતા, જેના કારણે જહાજોને પાછા ફરવું પડ્યું.
ભારતે આ ઘટના પર શું પ્રતિક્રિયા આપી છે?
ભારતના વિદેશ મંત્રાલયે આ કાર્યવાહીને બિલકુલ અસ્વીકાર્ય ગણાવી છે અને ઈરાનને પરિણામો ભોગવવા પડશે તેવી ચેતવણી આપી છે. નવી દિલ્હીમાં ઈરાની રાજદૂતને બોલાવી વિરોધ નોંધાવ્યો છે.
હોર્મુઝ સ્ટ્રેટ ભારત માટે શા માટે મહત્વનું છે?
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ છે, જેમાંથી 20% ક્રૂડ ઓઈલનો વેપાર થાય છે. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે ગલ્ફ દેશો પર નિર્ભર હોવાથી આ માર્ગ ખૂબ જ અગત્યનો છે.





















