શું 'ઓપરેશન સિંદૂર'માં ભારતનું ફાઈટર જેટ તૂટ્યું હતું? ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસે કરી સ્પષ્ટતા
દૂતાવાસે X પર પોસ્ટ કરી જણાવ્યું કે, 'વાસ્તવિક સત્યથી સંપૂર્ણપણે અલગ' અહેવાલો પ્રસારિત થયા; ભારતની લશ્કરી કાર્યવાહી ઉશ્કેરણીજનક નહોતી.

Operation Sindoor clarification: ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસે રવિવારે (જૂન 29, 2025) સંરક્ષણ એટેચી કેપ્ટન શિવ કુમાર દ્વારા આપવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સ્પષ્ટતા કરી છે. દૂતાવાસે જણાવ્યું છે કે કેપ્ટન શિવ કુમારે એક યુનિવર્સિટી સેમિનારમાં ભારત દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા 'ઓપરેશન સિંદૂર' નો વાસ્તવિક હેતુ સમજાવ્યો હતો, પરંતુ મીડિયા અહેવાલોમાં તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને તે વાસ્તવિક સત્યથી સંપૂર્ણપણે વિપરીત છે.
સેમિનારમાં શું કહેવામાં આવ્યું હતું?
કેપ્ટન શિવ કુમારે તાજેતરમાં ઇન્ડોનેશિયન યુનિવર્સિટીમાં આયોજિત એક સેમિનારમાં ભાગ લીધો હતો. આ સેમિનારમાં સંબોધન કરતી વખતે, કેપ્ટન શિવ કુમારે 'ઓપરેશન સિંદૂર' ના પ્રારંભિક તબક્કામાં ભારતીય સેનાના પ્રારંભિક પ્રતિભાવ વિશે માહિતી આપી હતી.
દૂતાવાસ દ્વારા X પર સ્પષ્ટતા
આ ઘટનાક્રમ બાદ, ઇન્ડોનેશિયામાં ભારતીય દૂતાવાસે રવિવારે (જૂન 29, 2025) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉ ટ્વિટર) પર એક સત્તાવાર પોસ્ટ શેર કરી હતી. દૂતાવાસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, "દૂતાવાસે સ્પષ્ટતા કરી છે કે સેમિનાર દરમિયાન સંરક્ષણ એટેચી કેપ્ટન શિવ કુમાર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનું મીડિયામાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. આ વાસ્તવિક સત્યથી સંપૂર્ણપણે અલગ છે."
દૂતાવાસે વધુમાં કહ્યું, "અમે મીડિયા દ્વારા બતાવવામાં આવી રહેલા અહેવાલો જોયા છે, જે ઇન્ડોનેશિયામાં ભારતના સંરક્ષણ એટેચી દ્વારા એક સેમિનારમાં આપવામાં આવ્યા હતા. પરંતુ સેમિનારમાં આપેલા તેમના નિવેદનનું અલગ અને ખોટી રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે અને અધિકારી દ્વારા જણાવવામાં આવેલા અમારા વાસ્તવિક હેતુ અને કાર્યવાહીની પદ્ધતિને મીડિયા અહેવાલોમાં ખોટી રીતે રજૂ કરવામાં આવી છે."
We have seen media reports regarding a presentation made by the Defence Attache at a Seminar.
— India in Indonesia (@IndianEmbJkt) June 29, 2025
His remarks have been quoted out of context and the media reports are a mis-representation of the intention and thrust of the presentation made by the speaker.
The presentation…
ભારતની લશ્કરી કાર્યવાહી ઉશ્કેરણીજનક નહોતી
દૂતાવાસે તેમના નિવેદનમાં ભારપૂર્વક જણાવ્યું કે, "સેમિનારમાં, અધિકારીએ સમજાવ્યું કે ભારતીય સશસ્ત્ર દળો નાગરિક રાજકીય નેતૃત્વ હેઠળ કાર્ય કરે છે, જે આપણા ઘણા પડોશી દેશોની કાર્યપદ્ધતિથી સંપૂર્ણપણે અલગ છે."
દૂતાવાસે એ પણ સ્પષ્ટ કર્યું કે, "સેમિનારમાં, અધિકારીએ ભારતના 'ઓપરેશન સિંદૂર' નો ઉદ્દેશ્ય સમજાવ્યો, જે આતંકવાદીઓના તમામ માળખાકીય સુવિધાઓનો નાશ કરવાનો હતો અને ભારતની લશ્કરી કાર્યવાહી કોઈપણ રીતે ઉશ્કેરણીજનક નહોતી."





















