કુદરતનો કરિશ્માઃ બાળકી મૃત જાહેર થયા બાદ દફનાવી, વિરોધ થતાં કબર ખોદી અને બાળકી જીવતી મળી
જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનિહાલમાં એક બાળકીનો જન્મ થયો હતો.
Banihal Dead Declared Girl Found Alive: જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લાની સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનિહાલમાં એક બાળકીનો જન્મ થયો હતો. પરંતુ આ બાળકી જન્મ પછી તરત જ ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ બાળકીને દફન કરવામાં આવી હતી. જો કે દફન કર્યાના લગભગ એક કલાક પછી બાળકી કબરમાંથી જીવતી બહાર નીકળી હતી. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સ્થાનિક લોકોએ બાળકીને તેમના કબ્રસ્તાનમાં દફનાવવાનો વિરોધ કર્યો હતો અને બાળકીને તેના પરિવારના કબ્રસ્તાનમાં દફનાવવાની માંગ કરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, બાળકી ચમત્કારિક રીતે જીવિત મળી આવ્યા બાદ તેના સંબંધીઓએ સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
તેમણે કહ્યું કે, આની નોંધ લેતા વહીવટીતંત્રે ડિલિવરી રૂમમાં કામ કરતા બે કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે અને તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિક સરપંચ મંજૂર અલ્યાસ વાનીએ જણાવ્યું કે, બાળકી બશરત અહેમદ ગુજ્જર અને શમીના બેગમનું છે. તેમણે જણાવ્યું કે, બાળકીનો જન્મ સોમવારે સબ-જિલ્લા હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરીથી થયો હતો. તેમણે કહ્યું કે, દંપતી રામબન જિલ્લાના બનિહાલથી ત્રણ કિલોમીટર દૂર બાનિકૂટ ગામના રહેવાસી છે.
હોસ્પિટલના તબીબો પર આ આક્ષેપોઃ
વાનીએ આક્ષેપ કર્યો હતો કે, છોકરીને મૃત જાહેર કરવામાં આવી હતી અને બે કલાક સુધી હોસ્પિટલમાં કોઈ ડૉક્ટરે તેને જોઈ ન હતી, ત્યારબાદ પરિવારે તેને હોલન ગામમાં દફનાવવાનું નક્કી કર્યું હતું. જ્યારે દંપતી હોસ્પિટલમાંથી પરત ફર્યું ત્યારે કેટલાક સ્થાનિક લોકોએ કબ્રસ્તાનમાં બાળકીને દફનાવવાનો વિરોધ કર્યો હતો. જેના કારણે પરિવારે લગભગ એક કલાક બાદ બાળકીને કબરમાંથી બહાર કાઢવી પડી હતી.
બાળકી કબરમાંથી જીવતી મળીઃ
વાનીએ કહ્યું કે, જ્યારે બાળકીને કબરમાંથી બહાર કાઢવામાં આવી ત્યારે તે જીવતી મળી હતી જેના પછી પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો હતો. તેમણે કહ્યું કે પ્રાથમિક સારવાર બાદ બાળકીને નિષ્ણાત ડોક્ટરો દ્વારા સારવાર માટે શ્રીનગર રિફર કરવામાં આવી હતી. ગુર્જર નેતા અને પંચ સભ્ય ચૌધરી મંસૂરે હોસ્પિટલ સ્ટાફ પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને અન્ય લોકોએ હોસ્પિટલના પરિસરમાં ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફ સામે દેખાવો કર્યા હતા.
BMOએ તપાસના આદેશ આપ્યાઃ
બીજી તરફ બનિહાલ બ્લોક મેડિકલ ઓફિસર (BMO) ડૉ. રાબિયા ખાને જણાવ્યું કે, આ મામલાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે પહેલેથી જ સ્ત્રીરોગ વિભાગમાં કામ કરતી જુનિયર સ્ટાફ નર્સ અને સફાઈ કામદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. ડો.ખાને કહ્યું કે તપાસ બાદ વિગતવાર માહિતી આપવામાં આવશે.