જમ્મુ કાશ્મીરમાં આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત, CRPF જવાનને ગોળી મારી
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાંના રહેવાસી CRPF જવાન મુખ્તાર અહેમદ દોહી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ વધુ એક કાયરતાપૂર્ણ કૃત્ય કરતાં CRPF જવાન પર ફાયરિંગ કર્યું છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, શોપિયાંના રહેવાસી CRPF જવાન મુખ્તાર અહેમદ દોહી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ જવાનનું મોત નીપજ્યું હતું.
અહેવાલો અનુસાર, જે જવાન પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, તે રજા પર પોતાના ઘરે આવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં આતંકવાદી હુમલાનો આ ચોથો બનાવ છે. પીટીઆઈ અનુસાર, એક પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું છે.
આ હુમલા પર પ્રતિક્રિયા આપતા ઓમર અબ્દુલ્લાએ લખ્યું છે કે છેલ્લા 7-10 દિવસમાં ઑફ-ડ્યુટી સુરક્ષા કર્મચારીઓ, મુખ્ય ધારાના રાજકીય કાર્યકરો અને નાગરિકોની હત્યાઓમાં વધારો થયો છે. શહીદ સીઆરપીએફ જવાન મુખ્તાર અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેઓને સ્વર્ગમાં સ્થાન મળે.
આ આતંકવાદી ઘટના પહેલા, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો સાથે ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાની કમાન્ડર સહિત ચાર આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર કાશ્મીર ખીણના પુલવામા, ગાંદરબલ અને કુપવાડા જિલ્લામાં થયું હતું. તેમણે કહ્યું કે દક્ષિણ કાશ્મીરના પુલવામાના ચેવકલાન વિસ્તારમાં રાત્રે ચાલેલી અથડામણમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓ અને એક પાકિસ્તાની નાગરિક માર્યા ગયા.
કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું, "પુલવામા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીની ઓળખ JeM કમાન્ડર કમાલભાઈ 'જટ્ટ' તરીકે થઈ છે. તે 2018 થી પુલવામા-શોપિયન વિસ્તારમાં સક્રિય હતો અને અનેક આતંકવાદી ગુનાઓ અને નાગરિક અત્યાચારોમાં સામેલ હતો.