(Source: ECI/ABP News/ABP Majha)
Kulgam Terrorist Attack: આતંકવાદીઓએ કુલગામમાં બિન કાશ્મીરીઓને કર્યા ટાર્ગેટ, 2ના મોત, ઇમરજન્સી એલર્ટ જાહેર
ફરી એક વખત આતંકીઓએ કાશ્મીરમાં કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. કુલગામમાં બિન-કાશ્મીરીઓને ગોળી મારી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તે બધા મજૂરો છે.
જમ્મુ કાશ્મીર: ફરી એક વખત આતંકીઓએ કાશ્મીરમાં કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. કુલગામમાં બિન-કાશ્મીરીઓને ગોળી મારી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકો પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો તે બધા મજૂરો છે અને ત્યાં કામ કરે છે. આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરાયેલા ત્રણ બિન-કાશ્મીરી મજૂરોની ઓળખ રાજા રેશી દેવ (મૃત), જોગિંદર રેશી દેવ (મૃત) અને ચુંચુન રેશી દેવ (ઈજાગ્રસ્ત) તરીકે થઈ છે. તમામ બિહારના રહેવાસી છે. મળતી માહિતી મુજબ આતંકીઓ આ મજૂરોના ઘરમાં ઘુસી આવ્યા છે અને તેમના પર ગોળીબાર કર્યો છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે બંને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની વાત કરી છે.
આ ઘટના બાદ બિન-કાશ્મીરીઓને આર્મી અને પોલીસ કેમ્પમાં ખસેડવામાં આવી રહ્યા છે. સમગ્ર ઘટના અંગે જમ્મુ-કાશ્મીર પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે કુલગામના વાનપોહ વિસ્તારમાં આતંકવાદીઓએ બિન કાશ્મીરી મજૂરો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ આતંકવાદી ઘટનામાં 2 બિન સ્થાનિક લોકો માર્યા ગયા અને 1 ઘાયલ થયા. ઘાયલ મજૂરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ અને BSF એ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. પોલીસે ઈમર્જન્સી એડવાઈઝરી જાહેર કરી બિન કાશ્મીરી લોકોને સેના તથા પોલીસના કેમ્પમાં રાખવાની વાત કહી છે.
શનિવારે આતંકવાદીઓએ બિહારના ફેરિયા અને ઉત્તર પ્રદેશના કારપેન્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકીઓએ શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં બિહારના એક ફેરિયાને ગોળી મારી હતી. ગંભીર સ્થિતિમાં તેને શ્રીનગરના SMHS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. બીજી ઘટનામાં આતંકિઓએ શનિવારે જ પુલવામામાં સગીર અહમદ નામના વ્યક્તિને ગોળી મારી હતી જેનાથી તે વ્યકિતનું મોત થયું હતું. યૂપીનો રહેવાસી કારપેન્ટરનું કામ કરતો હતો.
આ ઘટના બાદ સેના દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશનની શરુઆત કરી છે. સેના અને સ્થાનીય પોલીસ આતંકવાદીઓની શોધખોળમાં લાગી ગઈ છે. આ મહિનાની શરુઆતથી જ આતંકવાદીઓ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશમાં સામાન્ય નાગરિકોને નિશાનો બનાવાનું શરુ કર્યું છે.