Japan PM : ભારતને 'મિત્ર' રશિયાથી કેમ વિખુટુ પાડવા માંગે છે જાપાન? ફુમિનો સિક્રેટ પ્લાન
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે સોમવારે નવી દિલ્હીમાં તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા આજે સોમવારે નવી દિલ્હીમાં તેમના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કિશિદા એક એવા દેશનું નેતૃત્વ કરે છે જેના ભારત સાથેના સંબંધો છેલ્લા કેટલાક દાયકાઓથી ઘણા મજબુત બન્યા છે. આ સ્થિતિમાં તેમની મુલાકાતથી ઘણી અપેક્ષાઓ સેવાઈ રહી છે. પરંતુ કિશિદાએ ભારતની સામે આવી માંગ મૂકી છે જેને લઈને પીએમ મોદી થોડી મૂંઝવણમાં આવી ગયા હતાં. આ નવી યોજના પર ભારત કેવી પ્રતિક્રિયા આપશે અને બંને દેશોના સંબંધો પર તેની શું અસર પડશે તે તો સમયે જ ખબર પડશે. પરંતુ જાપાન એવો દેશ છે જે ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની સાથે ક્વાડમાં સામેલ છે. ભારત સાથે તેના સંબંધો ઘણા જૂના છે અને આ સ્થિતિમાં તે ભારતને નારાજ કરવાનું જોખમ નહીં લે.
PM કિશિદાની એક ઈચ્છા
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, કિશિદા ઈચ્છે છે કે, યુક્રેન પર હુમલો કરવા બદલ ભારત રશિયા સામે કડક બને અને તેને સજા આપે. પાંચ દાયકાથી વધુ સમયથી ભારતના વ્યૂહાત્મક ભાગીદાર રહેલા રશિયા સાથે મિત્રતાનો અંત લાવવો અશક્ય છે. હવે કિશિદા ઈચ્છે છે કે, ભારત જાપાન અને રશિયા વચ્ચે કોઈ એકની પસંદગી કરે. રશિયા એવો દેશ છે જે ભારતને શસ્ત્રો અને ઊર્જાનો મોટો સપ્લાયર છે. તેમની માંગ સામે ભારત શું કરશે તેને લઈને હાલ કંઈ કહી શકાય તેમ નથી.
10 માર્ચે ભારતની મુલાકાતની જાહેરાત કરતા કિશિદાએ કહ્યું હતું કે, G-7 અને G-20 દેશોના નેતાઓ તરીકે હું પરસ્પર જોડાણને મજબૂત કરવાના પ્રયાસોને આગળ વધારવા માંગુ છું. જાપાનના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, કિશિદા વિકાસશીલ દેશોના પરિપ્રેક્ષ્યને જાણવા માટે ભારતની સ્થિતિ સમજવા માંગતા હતા. ભારત આ વખતે જી-20 સમિટનું યજમાન છે. તેના બે મહત્વના સભ્યો રશિયા અને ચીને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધની નિંદા કરવાના હેતુથી કરવામાં આવેલા પ્રયાસોનો વિરોધ કર્યો છે.
રશિયા સામે જી-20 દેશો
જી-7 દેશોના નેતાઓએ કહ્યું છે કે, તેઓ યુક્રેનને સમર્થન આપશે. G-7 દેશો G-20ના પણ સભ્ય છે. આ દેશો વિવિધ મામલે ચર્ચા કરી રહ્યા છે જેના હેઠળ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રશિયાથી નિકાસ કરવામાં આવતા ક્રૂડ ઓઈલની કિંમત નક્કી કરવા દબાણ કરી શકાય. ભારત અને અન્ય G-20 દેશો રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી રહ્યા છે.
ભારતના પ્રયાસો છતાં જ્યારે ફેબ્રુઆરી અને માર્ચમાં બે મહત્વપૂર્ણ G-20 બેઠક યોજાઈ હતી, ત્યારે રશિયા દ્વારા યુક્રેન પરના હુમલા સાથે સંબંધિત કોઈ નિષ્કર્ષ પર પહોંચવામાં કોઈ સફળતા મળી શકી ન હતી. ભારતના વિદેશ મંત્રાલયે જાપાન દ્વારા કરવામાં આવેલા આ સમગ્ર મામલે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.