(Source: Poll of Polls)
Jharkhand Mine Collapsed: ધનબાદમાં ખાણમાં ગેરકાયદે ખનન દરમિયાન બની દુર્ઘટના, ત્રણ લોકોના મોત, અનેક ફસાયાની આશંકા
ધનબાદના સિન્દ્રી વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) અભિષેક કુમારે જણાવ્યું હતું કે આ ઘટનામાં માર્યા ગયેલા અને ખાણમાં ફસાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા બચાવકર્મીઓ પીડિતોને શોધી કાઢશે પછી જ જાણી શકાશે.
Jharkhand News: ઝારખંડના ભૌરા કોલીરી વિસ્તારમાં શુક્રવારે ગેરકાયદેસર ખાણકામ દરમિયાન ખાણ તૂટી પડતાં ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયાં હતાં. તેમાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. એક અધિકારીએ આ માહિતી આપી. આ ઘટના જિલ્લાથી લગભગ 21 કિલોમીટર દૂર ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL)ના ભૌરા કોલિયરી વિસ્તારમાં સવારે 10.30 વાગ્યે બની હતી.
ધનબાદના સિન્દ્રી વિસ્તારના નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) અભિષેક કુમારે જણાવ્યું હતું કે આ ઘટનામાં માર્યા ગયેલા અને ખાણમાં ફસાયેલા લોકોની વાસ્તવિક સંખ્યા બચાવકર્મીઓ પીડિતોને શોધી કાઢશે પછી જ જાણી શકાશે. બીજી તરફ, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ખાણમાં ભંગાણ થયું ત્યારે ઘણા સ્થાનિક ગ્રામજનો ગેરકાયદેસર ખાણકામમાં રોકાયેલા હતા. લોકોએ વધુમાં જણાવ્યું કે, સ્થાનિક લોકોની મદદથી ત્રણ લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ભૌરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર બિનોદ ઓરાને જણાવ્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે.
#WATCH | Jharkhand: One body was recovered after a portion of BCCL (Bharat Coking Coal Limited) open mine collapsed in Dhanbad. pic.twitter.com/7iIyE96YJe
— ANI (@ANI) June 9, 2023
BCCL તરફથી બચાવ કામગીરી ચાલુ
મૃતકોમાં એક મહિલા, એક પુરુષ અને એક સગીરાનો સમાવેશ થાય છે. ઘાયલોને તેમના સાથીઓએ બહાર કાઢ્યા છે અને સ્થાનિક હોસ્પિટલમાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. પોકલેન મશીનમાંથી કાટમાળ હટાવવાની કામગીરી બીસીસીએલ કોલ કંપની દ્વારા કરવામાં આવી રહી છે. હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. પોકલેન મશીનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે.
સ્થાનિક લોકોએ શું કહ્યું?
આ બાબતે બીસીસીએલ મેનેજમેન્ટ અને પોલીસ પ્રશાસન દ્વારા કોઈ મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સ્થાનિક લોકોએ જણાવ્યું કે તેમના દ્વારા પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દરરોજની જેમ સ્થાનિક લોકો ગેરકાયદે કોલસાની ખોદકામ માટે અહીં પહોંચ્યા હતા, ત્યારબાદ કોલ કટીંગ દરમિયાન કોલસા, પથ્થર અને માટીનો ઢગલો લોકો પર પડ્યો હતો. જેના કારણે 15 લોકો કાટમાળ નીચે દટાયા હતા, જેમાં ત્રણ લોકોના મોત થયા છે.