(Source: ECI/ABP News/ABP Majha)
Karnataka Election : કર્ણાટકમાં કોણ મારશે બાજી? સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો
આ સર્વે દ્વારા જનતાનો મૂડ કેવો છે અને મતદારોનો ઝુકાવ કેવો છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો. જનતાના મિજાજ સાથે પક્ષોના દાવા ક્યાં સુધી મેળ ખાય છે તે આ સર્વેમાં જાણી શકાયું હતું.
Karnataka Assembly Election 2023 Survey : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ વાગી રહી છે. કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. દરેક પાર્ટી સત્તા માટે પોતપોતાના દાવા કરી રહી છે. ભાજપનું કહેવું છે કે, તે ફરીથી સરકાર બનાવશે. તો કોંગ્રેસનો દાવો છે કે તેને 150થી વધુ સીટો મળશે. જ્યારે દેવગૌડાની જેડીએસ પણ ચૂંટણીને લઈને દાવા કરી રહી છે. પરંતુ તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આ સર્વે દ્વારા જનતાનો મૂડ કેવો છે અને મતદારોનો ઝુકાવ કેવો છે તેનો તાગ મેળવવામાં આવ્યો હતો. જનતાના મિજાજ સાથે પક્ષોના દાવા ક્યાં સુધી મેળ ખાય છે તે આ સર્વેમાં જાણી શકાયું હતું. TV9 એ C-Voter સાથે મળીને એક મેગા સર્વે હાથ ધર્યો હતો.
સર્વેમાં સામે આવ્યું હતું કે, જૂના મૈસુરની 55 બેઠકોમાંથી ભાજપને 4 થી 8 જ્યારે કોંગ્રેસને 21 થી 25 બેઠકો મળી શકે છે. તો કિત્તુર કર્ણાટકમાં 50 બેઠકોમાંથી ભાજપને 21થી 25 અને કોંગ્રેસને 25થી 29 બેઠકો મળી શકે છે. જેડીએસને 1 સીટ મળવાની આશા છે.
કોસ્ટલ કર્ણાટકની વાત કરવામાં આવે તો અહીં 21 બેઠકોમાંથી ભાજપને 16થી 20 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 1થી 5 બેઠકો મળવાની ધારણા છે. તેવી જ રીતે કલાના કર્ણાટકની 31 બેઠકોમાંથી ભાજપને 11થી 15 બેઠકો, કોંગ્રેસને 16થી 20 બેઠકો મળી શકે છે. જેડીએસને 1 સીટ મળી શકે છે.
જો મધ્ય કર્ણાટકની 35 બેઠકોની વાત કરવામાં આવે તો અહીં ભાજપને 13થી 17 બેઠકો મળવાની ધારણા છે. તો કોંગ્રેસને 18થી 22 અને જેડીએસને 1 બેઠક મળી શકે છે.
રાજ્યની રાજધાનીમાં કોંગ્રેસ મેદાન મારતી જણાય છે. બેંગ્લોરની 32 બેઠકોમાંથી ભાજપને 7થી 11 બેઠકો મળે તેવી શકયતા વ્યક્ત કરવામાં આવી છે. તો કોંગ્રેસને 18થી 22 બેઠકો મળે તેવી શકયતા છે. જ્યારે જેડીએસને 1થી 5 બેઠકો મળવાની ધારણા છે.
સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તમે વિધાનસભા ચૂંટણીમાં કઈ પાર્ટીને વોટ આપવા માંગો છો? લોકોમાંથી એ પણ જાણવા મળ્યું હતું કે, શું ડબલ એન્જિન સરકાર રાજ્ય માટે ફાયદાકારક છે? તેના જવાબમાં 38.7% લોકોએ હામાં જવાબ આપ્યો હતો. જ્યારે 40.6% લોકોએ ના માં જવાબ આપ્યો હતો. 20.7% લોકોએ કહ્યું હતું કે, તેઓ આ મામલે કંઈ કહી શકે નહીં.
ભાજપે જે રીતે સરકાર ચલાવી છે તે તમે કેવી રીતે જુઓ છો? સર્વેમાં પૂછવામાં આવ્યું કે કોંગ્રેસે ઘણી મફત યોજનાઓની જાહેરાત કરી છે, શું તેના મતમાં વધારો થવાની સંભાવના છે? 41.4% એ હા જવાબ આપ્યો, જ્યારે 38.1% એ ના જવાબ આપ્યો.