Nawab Malik vs Sameer Wankhede: બહેન પર લાગેલા આરોપને લઈ ભડકી સમીર વાનખેડેની પત્ની, ક્હ્યું- નવાબ મલિક પર.........
Mumbai Cruise Drugs Case: નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકરે કહ્યું તેમની બહેન હર્ષદા દીનાનાથ રેડકર પીડિત હતી અને છે.
Nawab Malik vs Sameer Wankhede: ક્રૂઝ ડ્રગ્સ કેસમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી મુંબઈ સુધી ખૂબ હલચલ જોવા મળી રહી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB અધિકારી સમીર વાનખેડે પર મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCPના વરિષ્ઠ નેતા નવાબ મલિક દ્વારા સતત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. નવાબ મલિકે ટ્વીટ કરીને સમીર વાનખેડેને પૂછ્યું છે કે શું તમારી સાળી પણ ડ્રગ્સના ધંધામાં સામેલ છે? નવાબ મલિકનો દાવો છે કે સમીર વાનખેડેની સાળી હર્ષદા દીનાનાથ રેડકર વિરુદ્ધ પુણેની કોર્ટમાં ડ્રગ્સનો કેસ ચાલી રહ્યો છે. હવે નવાબ મલિક આ મુદ્દે સમીર વાનખેડે પાસેથી જવાબ માંગી રહ્યા છે.
નવાબ મલિકે ટ્વિટ કરીને સમીર વાનખેડેને પૂછ્યું- "શું તમારી સાળી હર્ષદા દીનાનાથ રેડકર ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલા છે? તમારે આ જવાબ આપવો જોઈએ કારણ કે તેનો કેસ પૂણેની કોર્ટમાં પેન્ડિંગ છે. આ રહ્યા પુરાવા."
નવાબ મલિકના આરોપ પર સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર પોતાની બહેન પર લગાવવામાં આવેલા આરોપોને લઈ નિવેદન આપ્યું છે. તેણે ટ્વીટ કરીને લખ્યું, ડિયર મીડિયા, મને ખબર છે કે નવાબ મલિકના ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલા ટ્વિટથી તમને અનેક સવાલ થતા હશે. હું એટલું કહેવા માંગુ છું કે મારી બહેન આમ મામલે પીડિત હતી અને છે. અમારી લીગલ ટીમ મુજબ આ મુદ્દે ટિપ્પણી કરવી સમજદારી ભર્યુ નથી. કારણકે મામલો હજુ પણ કોર્ટમાં છે. સમીર વાનખેડેને આ કેસ સાથે કોઈ લેવા દેવા નથી.
Will give more updates regarding the same through my twitter handle 🙏🙏 pic.twitter.com/c0aspjowUr
— Kranti Redkar Wankhede (@KrantiRedkar) November 8, 2021
ઉલ્લેખનીય છે કે મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારથી નવાબ મલિક NCBના સમીર વાનખેડે પર સતત પ્રહાર કરી રહ્યા છે. મલિકે સમીર વાનખેડે પર પોતાની ખાનગી સેના દ્વારા ડ્રગ્સ રેકેટ ચલાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે નવાબ મલિકે સમીર વાનખેડેની સંપત્તિ પર પણ સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે તે કરોડોના કપડાં પહેરે છે. આ સાથે નવાબ મલિકે સમીર વાનખેડે પર છેતરપિંડી દ્વારા સરકારી નોકરી મેળવવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો કે સમીર વાનખેડેએ નવાબ મલિક દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.