(Source: ECI/ABP News/ABP Majha)
જાણો, કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો)માં શું હોય છે અંતર ?
પાવરના હિસાબે કેબિનેટ મંત્રી સૌથી ઉપર આવે છે. કેબિનેટ મંત્રી બાદ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો બીજા નંબરે આવે છે અને રાજ્યમંત્રી ત્રીજા નંબરે આવે છે.
મોદી સરકાર બીજી વખત સત્તામાં આવી તે બાદ પહેલી વખત મંત્રીમંડળમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. મોદી સરકારની કેબિનેટનું બુધવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું, જેમાં અનેક દિગ્ગજ નેતાઓના પત્તા કપાયા હતા જ્યારે નવા ચેહરાને સ્થાન અપાયું છે. કુલ ૪૩ મંત્રીઓએ શપથ લીધા હતા તેમાં ૧૫ કેબિનેટ અને ૨૮ રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે. મંત્રી મંડળના વિસ્તરણ બાદ અનેક લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે આખરે કેબિનેટ અને રાજ્યમંત્રીમાં શું અંતર હોય છે.
દેશના કેન્દ્રીય મંત્રી મંડળમાં ત્રણ પ્રકારના મંત્રી હોય છે. જેમાં કેબિનેટ મંત્રી, રાજ્ય મંત્રી અને રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો સામેલ હોય છે. જેમાં પાવરના હિસાબે કેબિનેટ મંત્રી સૌથી ઉપર આવે છે. કેબિનેટ મંત્રી બાદ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો બીજા નંબરે આવે છે અને રાજ્યમંત્રી ત્રીજા નંબરે આવે છે.
કેબિનેટ મંત્રીઃ કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા કહેવાય છે. મંત્રાલયના કોઈપણ પ્રકારના કામકાજ માટે સીધી રીતે તેઓ જવાબદાર હોય છે. સરકારના ફેંસલામાં તમની પણ ભાગીદારી હોય છે અને દર સપ્તાહે થથી કેબિનેટ બેઠકમાં પણ સામેલ થાય છે. સરકાર કેબિનેટની બેઠકમાં ખરડો, નવો કાયદો બનાવવો, કાયદામાં સુધારો કરવો જેવા નિર્ણય કરે છે તેમાં કેબિનેટ મંત્રી હિસ્સો હોય છે.
રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો): સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્ય મંત્રી સીધા જ પ્રધાનમંત્રીને રિપોર્ટ સોંપે છે. તેમને જૂનિયર મિનિસ્ટર પણ કહેવાય છે. તેમને ફાળવવામાં આવેલા મંત્રાલય અને વિભાગ પ્રત્યે તેમની પૂરી જવાબદારી હોય છે. સામાન્ય રીતે તેઓ કેબિનેટ બેઠકમાં સામેલ થતા નથી. પણ વિશેષ અવસર પર મંત્રાલયના મુદ્દા પર ચર્ચા માટે કેબિનેટની બેઠકમાં બોલાવવામાં આવી શકે છે.
રાજ્ય મંત્રીઃ રાજ્ય મંત્રી કેબિનેટ મંત્રીના હાથ નીચે કામ કરે છે અને તેમને રિપોર્ટ સોંપે છે. તેઓ એક રીતે કેબિનેટ મંત્રીના સહાયક મંત્રી હોય છે. એક કેબિનેટ મંત્રીના હાથ નીચે એકથી વધારે રાજ્ય મંત્રી પણ હોઈ શકે છે. એક મંત્રાલયમાં અનેક વિભાગ હોય છે. જેની ફાળવણી તેમને કરવામાં આવે છે. તેનાથી કેબિનેટ મંત્રીને મંત્રાલયને ચલાવવામાં સરળતા મળે છે.