'Made in India હથિયારોએ સિદ્ધ કરી પ્રામાણિક્તા' - ઓપરેશન સિંદૂર બાદ બોલ્યા PM મોદી
પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધવા લાગ્યો. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન દ્વારા ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સિંદૂર પછી આજે એટલે કે સોમવાર, 12 મે ના રોજ, પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને પોતાનું પહેલું સંબોધન કર્યું.
આ દરમિયાન તેમણે પાકિસ્તાન પર કરવામાં આવેલા વળતા હુમલા અંગે દેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા. આ દરમિયાન તેમણે દેશવાસીઓ વતી ભારતની સેના, સશસ્ત્ર દળો, ગુપ્તચર એજન્સીઓ અને વૈજ્ઞાનિકોને સલામ કર્યું. આ દરમિયાન તેમણે ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રામાણિકતા અંગે પણ ચર્ચા કરી.
ભારતમાં બનેલા શસ્ત્રોનો સમય આવી ગયો છે- પીએમ મોદી
ઓપરેશન સિંદૂર પછી રાષ્ટ્રને પોતાના પ્રથમ સંબોધનમાં પ્રધાનમંત્ર નરેન્દ્ર મોદીએ ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રામાણિકતા વિશે વાત કરી. તેમણે કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી, પરંતુ આતંકવાદનો પણ યુગ નથી. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે દેશે નવા યુગના યુદ્ધમાં પોતાની શ્રેષ્ઠતા તેમજ ભારતમાં બનેલા શસ્ત્રોની પ્રામાણિકતા સાબિત કરી છે.
પોતાના સંબોધનમાં પીએમએ કહ્યું કે દુનિયા જોઈ રહી છે કે 21મી સદીમાં ભારતમાં બનેલા શસ્ત્રોનો સમય આવી ગયો છે. તમામ પ્રકારના આતંકવાદ સામે આપણી એકતા એ આપણી સૌથી મોટી તાકાત છે. ભારતની નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ છે. આ એક સારી દુનિયાની ગેરંટી પણ છે. પીએમએ વધુમાં કહ્યું કે જે રીતે પાકિસ્તાની સેના અને સરકાર આતંકવાદને પોષી રહી છે, તે એક દિવસ પાકિસ્તાનનો જ નાશ કરશે.
ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં
પ્રધાનમંત્રી મોદીએ દેશના નામે સંબોધનમાં કહ્યું કે, ભારત કોઈપણ પરમાણુ બ્લેકમેલ સહન કરશે નહીં. ભારત તેની આડમાં રહેલા આતંકવાદી ઠેકાણાઓ પર નિર્ણાયક હુમલો કરશે.આપણે આતંકવાદને સમર્થન આપતી સરકાર અને આતંકવાદના આકાને અલગ અલગ સંસ્થાઓ તરીકે નહીં જોઈએ. ભારતના ત્રણેય દળો તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર છે.
ઓપરેશન સિંદૂર પર બોલ્યા પીએમ મોદી
ઓપરેશન સિંદૂર અંગે પીએમ મોદીએ કહ્યું કે 6 મેની મોડી રાતથી 7 મેની વહેલી સવાર સુધી આખી દુનિયાએ આ પ્રતિજ્ઞાને પરિણામમાં પરિવર્તિત થતી જોઈ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના ઠેકાણાઓ અને તેમના ટ્રેનિંગ સેન્ટરો પર સટિક હુમલા કર્યા છે.
પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે હું વિશ્વ સમુદાયને એ પણ કહીશ કે અમારી જાહેર નીતિ રહી છે કે જો પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ પર જ થશે. જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) પર જ થશે.





















