MP News: મધ્યપ્રદેશમાં બે ડેપ્યુટી સીએમ તરીકે કોના નામની થઈ જાહેરાત? જાણો કોને બનાવાયા સ્પીકર
ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવના નામની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે.
MP News: મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય મોહન યાદવના નામની રાજ્યના મુખ્યમંત્રી તરીકે જાહેરાત કરવામાં આવી છે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, ભાજપ હાઈકમાન્ડે મનોહર લાલ ખટ્ટર, ડૉ. કે. લક્ષ્મણ અને આશા લાકરાને નિરીક્ષક તરીકે નિયુક્ત કર્યા હતા અને તેમને મુખ્યમંત્રીની પસંદગીની જવાબદારી સોંપી હતી. નિરીક્ષકોની હાજરીમાં સોમવારે યોજાયેલી ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવનું નામ ફાઇનલ કરવામાં આવ્યું હતું. પાર્ટીએ સીએમની સાથે ડેપ્યુટી સીએમના નામની પણ જાહેરાત કરી છે. રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા ડેપ્યુટી સીએમ હશે. આ સિવાય નરેન્દ્ર સિંહ તોમર વિધાનસભાના સ્પીકર હશે.
રાજેન્દ્ર શુક્લા કોણ છે
ધારાસભ્ય રાજેન્દ્ર શુક્લા રીવા વિધાનસભા ક્ષેત્રમાં મજબૂત નેતા તરીકે ઓળખાય છે. વર્ષ 2003માં તેઓ પહેલીવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ પછી તેઓ સતત રીવાથી ચૂંટણી જીતી રહ્યા છે. તેઓ ચાર વખત કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે. તેમણે 2018માં ચોથી વખત અને હવે 2023માં પાંચમી વખત વિધાનસભાની ચૂંટણી જીતી છે. રાજેન્દ્ર શુક્લા, જેમને એમપીના ડેપ્યુટી સીએમનું પદ મળ્યું, તેઓ ઉમા ભારતીની સરકારમાં પ્રથમ મંત્રી બન્યા. આ પછી તેમને બાબુલાલ ગૌર સરકારમાં મંત્રી પદ પણ મળ્યું. તેઓ શિવરાજ સિંહ ચૌહાણની સરકારમાં રાજ્યમાં કેબિનેટ મંત્રી પણ હતા. અત્યાર સુધી તેઓ 2003, 2008, 2013 અને 2023માં મંત્રી રહી ચૂક્યા છે.
જગદીશ દેવડા કોણ છે
જગદીશ દેવડા શિવરાજ સરકારમાં નાણા મંત્રી રહી ચુક્યા છે. જગદીશ દેવડા મલ્હારગઢ વિધાનસભા સીટથી ધારાભ્ય છે. તેઓ સતત છ વખતથી વિધાનસભા ચૂંટણી જીતી રહ્યા છે.
કોણ છે નરેન્દ્ર સિંહ તોમર
નરેન્દ્ર સિંહ તોમરે થોડા દિવસ પહેલા કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું આપ્યું હતું. નરેન્દ્ર સિંહ તોમર તેમની કોલેજમાં વિદ્યાર્થી સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર બન્યા. તોમર 1998માં પહેલીવાર ગ્વાલિયરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2003માં બીજી વખત આ જ વિસ્તારમાંથી ચૂંટણી જીત્યા. તેઓ ઉમા ભારતી, બાબુલાલ ગૌર અને શિવરાજ સિંહ ચૌહાણના મંત્રીમંડળમાં ઘણા મહત્વપૂર્ણ વિભાગોના મંત્રી રહી ચૂક્યા છે. તેઓ મધ્યપ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે.
તોમર વર્ષ 2009માં પ્રથમ વખત રાજ્યના મોરેના સંસદીય મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ પહેલા તેઓ રાજ્યસભાના સભ્ય હતા. તેઓ કેન્દ્રમાં ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ, સ્ટીલ અને શ્રમ સહિતના ઘણા વિભાગોના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. પરંતુ તેમનો સૌથી યાદગાર કાર્યકાળ કૃષિ મંત્રાલયનો રહ્યો છે. કારણ કે તેમના સમયમાં ત્રણ કૃષિ કાયદા ઘડવામાં આવ્યા હતા. તેની સામે 13 મહિના સુધી ખેડૂતોનું આંદોલન ચાલ્યું હતું, જેના કારણે સરકાર બેકફૂટ પર આવી હતી અને આ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા.
મધ્યપ્રદેશના નવા સીએણ તરીકે કોના નામની થઈ જાહેરાત, જાણીને ચોંકી જશો