Maharashtra : મહારાષ્ટ્રની અકળ રાજનીતિ! હવે અજીત સાથે ઉદ્ધવની મુલાકાતથી ગરમાવો
હવે ખુદ શિવસેના (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અજીત પવારને મળવા પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યાં છે.
Maharashtra Politics : મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી એક પછી એક નાટકીય ઘટનાક્રમ સર્જાઈ રહ્યો છે. પહેલા અજીત પાવર સંખ્યાબંધ ધારાસભ્યો સાથે ભાજપ-શિવસેનાની યુતિ સરકારમાં શામેલ થઈ ગયા અને એનસીપી તુટી. ત્યાર બાદ 24 જ કલાકમાં અજીત પવારે તેમના જીથના ધારાસભ્યો-મંત્રીઓ સાથે એનસીપીના સંયોજક શરદ પવાર સાથે મુલાકાત કરી. ત્યાર બાદ હવે ખુદ શિવસેના (યૂબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અજીત પવારને મળવા પહોંચતા અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યાં છે.
હજી તો ગઈ કાલે બેંગલુરૂ ખાતે યોજાયેલી વિરોધ પક્ષના 26 પાર્ટીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ઉદ્ધવ ઠાકરેએ પણ હાજરી આપી હતી. તેના બીજા જ દિવસે આજે બુધવારે મહારાષ્ટ્રમાં એક રસપ્રદ રાજકીય ચિત્ર ઉભરી આવ્યું હતું. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ CM અને શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના નવા ડેપ્યુટી સીએમ અજિત પવારને તેમના કાર્યાલયમાં મળવા પહોંચ્યા હતાં. મીટિંગની તસવીરોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે, અજિત પવારે NCPમાં બળવો કર્યો હતો. NCP જેની શિવસેના (UBT) સહયોગી છે.
અજિત પવાર સાથે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત એનસીપીમાં વિભાજન બાદ પ્રથમ વખત થઈ હતી. જ્યારે ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં સીએમ હતા ત્યારે અજિત પવાર પણ તેમની સરકારમાં નાણામંત્રીનું પદ સંભાળતા હતા. હાલ ભાજપ-શિવસેના અને એનસીપીની યુતિ સરકારમાં પણ તેઓ જ મહારાષ્ટ્રના નાણામંત્રી છે. રાજ્ય વિધાન પરિષદના સભ્ય ઉદ્ધવ ઠાકરેએ થોડો સમય માટે ગૃહની કાર્યવાહીમાં હાજરી આપી હતી. ઉપાધ્યક્ષ નીલમ ગોર શિંદેના નેતૃત્વવાળી પ્રતિસ્પર્ધી શિવસેનામાં જોડાયા બાદ ઉદ્ધવ ઠાકરે પ્રથમ વખત ગૃહમાં પહોંચ્યા હતા.
અજિત પવારને મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મેં તેમને રાજ્ય અને લોકો માટે સારું કામ કરવા કહ્યું છે. ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ અજિત પવાર સાથે કામ કરી ચૂક્યા છે અને તેમની કામ કરવાની રીતથી પણ વાકેફ છે. મને ખાતરી છે કે રાજ્યના લોકોને મદદ મળશે કારણ કે તિજોરીની ચાવી તેમની પાસે છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં NCPમાં બળવો થયા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય તાપમાનમાં વધારો થયો છે. 2 જુલાઈના રોજ, અજિત પવાર અને તેમના સમર્થક ધારાસભ્યોએ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા. આ સાથે શરદ પવારની પાર્ટીમાં ભાગલા પડી ગયા હતા. અજિત પવારની સાથે NCPના કુલ નવ ધારાસભ્યો મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સરકારમાં મંત્રી બન્યા હતાં. બે અઠવાડિયા બાદ અજિત પવાર, છગન ભુજબળ, દિલીપ વાલ્સે પાટીલ અને અદિતિ તટકરે સહિત તમામ નવ NCP નેતાઓને પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી હતી.