Maharashtra Corona Cases Update: મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 30 હજારથી વધુ નવા કેસ, 99 લોકોના મોત
કોરોનાએ મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઈમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30535 નવા કેસ સામે આવ્યા છે. તો મુંબઈમાં તેની સંખ્યા 3779 છે.
દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોનાએ મહારાષ્ટ્ર અને તેની રાજધાની મુંબઈમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 30535 નવા કેસ સામે આવ્યા છે. તો મુંબઈમાં તેની સંખ્યા 3779 છે.
કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં સામે આવનાર આ કેસની સંખ્યામાં સૌથી વધારે છે. કોરોનાના વધતા કેસને જોતા રાજ્યમાં અનેક પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. પરંતુ કેસની સંખ્યામાં દરરોજ મોટો વધારો થઈ રહ્યો છે.
મહારાષ્ટ્રના કુલ કેસનો આંક 24,79,682 પર પહોંચી ચુક્યો છે. આ મહામારીમાં કુલ 53,399 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 99 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આજે 11314 દર્દીઓ સાજા થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાનું ટેસ્ટિંગ પણ મોટા પાયે થઈ રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધી 1,83,56,200 લોકોના ટેસ્ટ થી ચુક્યા છે. આજે પણ 1,38,199 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મુંબઈની વાત કરીએ તો અહીં આજે 3779 કેસ સામે આવ્યા છે. આ સાથે દેશની આર્થિક રાજધાનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,62,675 થઈ ચુકી છે. આ મહામારીએ અહીં 11586 લોકોના જીવ લીધા છે. છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં ગઈકાલના આંકડા પર નજર કરીએ તો રાજ્યમાં 27126 નવા કેસ સામે આવ્યા હતા. 92 લોકોના મૃત્યુ થયા હતા.
ભારતમાં કેટલાક રાજ્યો એવા છે જ્યાં સતત કેસ વધી રહ્યા છે. આ રાજ્યો મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, ગુજરાત અને હરિયાણા છે. આ રાજ્યોમાં એક્ટિવ કેસ પણ વધી રહ્યા છે. કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.