Maharashtra Political Crisis: આ 5 કારણો જેનાથી સરકાર ચલાવી રહેલી 'શિવસેના'માં થયો બળવો
મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે અને આ બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ ઉદ્ધવ સરકારના મંત્રી એકનાથ શિંદે કરી રહ્યા છે.
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે અને આ બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ ઉદ્ધવ સરકારના મંત્રી એકનાથ શિંદે કરી રહ્યા છે. હાલ એકનાથ શિંદેની સાથે 30 થી વધુ ધારાસભ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ધારાસભ્યોએ કરેલા આ બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો છે. ત્યારે સતત એ પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે, આ બળવો થવાનું કારણ શું છે? એવું તો શું થયું કે શિવસેનાના ધારાસભ્યો તેમની સરકાર સામે જ બળવો પોકારી રહ્યા છે? આ પ્રશ્નોના જવાબ આ રિપોર્ટમાં વાંચો.
ગઠબંધનથી ખુશ નહોતા શિવસેનાના MLA:
2019માં જ્યારે કોંગ્રેસ અને એનસીપીની સાથે શિવસેનાએ ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો ત્યારથી જ શિવસેનાના ધારાસભ્યોમાં નારાજગી હોવાના અહેવાલ આવ્યા હતા. જો કે, એ સમયે ઠાકરે પરિવાર સામે કોઈએ પોતાની નારાજગી વ્યક્ત ના કરી. શિવસૈનિકોનું માનવું છે કે, એનસીપી અને કોંગ્રેસ શિવસેનાની વિચારધારથી વિરુદ્ધ છે. બાલા સાહેબ ઠાકરેનું આ પાર્ટીઓ સન્માન નથી કરતી.
NCPએ શિંદેનું CM પદ છિનવ્યુંઃ
જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું જોડાણ થઈ રહ્યું હતું ત્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ હતા. કહેવાય છે કે, મુખ્યમંત્રી તરીકે શિવસેનાએ એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો અને કહ્યું હતું કે ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યમંત્રી બને તે બરાબર રહેશે. આ નિર્ણયથી એકનાથ શિંદેના નજીકના ધારાસભ્યો નારાજ થયા હતા.
ધારાસભ્યોના નહોતા મળતા ઉદ્ધવઃ
ધારાસભ્યોની નારાજગીનું એક મોટું કારણ એ પણ છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હંમેશા તેમના ધારાસભ્યો અને નેતાઓ સાથે ઓછી મુલાકાત કરતા હતા. તેમનું મોટાભાગનું કામ ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે જ કરતા હતા.
વિકાસ માટે ફંડ નહોતું મળતુંઃ
ઘણા શિવસેના MLAએ ફરિયાદ કરી ચુક્યા છે કે, તેમના વિસ્તારના વિકાસ માટે તેમને ફંડ નથી મળતું. મહારાષ્ટ્રમાં હાલ નાણા મંત્રાલય અને ડેપ્યુટી સીએમનું પદ NCPના અજીત પવાર પાસે છે. આરોપ તો એવા પણ લાગે છે કે, અજીત પવાર NCPના ધારાસભ્યોનું ફંડ પાસ કરે છે પણ શિવસેનાના ધારાસભ્યોનું નથી. આ આરોપ કોંગ્રેસના ધારાસભ્યો પણ લગાવે છે.
હિન્દુત્વનો મુદ્દોઃ
કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવનારા ઉદ્ધવ ઠાકરે ઉપર સતત એવો આરોપ પણ લાગ્યો છે કે, તેમણે હિન્દુત્વના મુદ્દે સમાધાન કર્યું છે. પાલઘરમાં સાધુઓની લિંચિંગ, મસ્જિદમાં અજાન, રસ્તા પર નમાજ અને હનુમાન ચાલીસા જેવા મુદ્દા પર ઉદ્ધવ ઠાકરેના વલણ સામે શિવસૈનિકોની નારાજગી હતી. જ્યારે રાહુલ ગાંધીએ હિન્દુત્વને લઈને ટીકા કરી ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોઈ નિવેદન નહોતું આપ્યું.